સપ્ટેમ્બરમાં કોરોના વાઇરસનો નવો મ્યૂટન્ટ આવશે તો ઓક્ટોબર અને નવેમ્બરમાં થર્ડ વેવમા દૈનિક ૧ લાખ કેસ નોંધાઇ શકે
દિલ્હી :
ઇન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલ (આઇસીએમઆર)ના એપિડેમિયોલોજી એન્ડ કોમ્યુનિકેબલ ડિસીઝ વિભાગના વડા ડો. સમિરન પાંડાએ ચેતવણી ઉચ્ચારી છે કે કોરોના મહામારીના સેકન્ડ વેવમાં ઓછા કેસ નોંધાયાં હતાં તેવા રાજ્યોમાં હવે સંક્રમણમાં વધારો થઇ રહ્યો છે જે કોરોના મહામારીનો ત્રીજો વેવ શરૃ થયો હોવાના પ્રારંભિક સંકેતો છે.
કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન દિલ્હી અને મહારાષ્ટ્રને જોઇને ઘણા રાજ્યોએ લોકડાઉન અને નિયંત્રણો લાદ્યાં હતાં. તેના કારણે આ રાજ્યોમાં કોરોનાનો સેકન્ડ વેવ એટલો ઉગ્ર બન્યો નહોતો પરંતુ હવે આ રાજ્યોમાં કેસ વધી રહ્યાં છે જે ત્રીજા વેવના સંકેત આપે છે.
આઇઆઇટી કાનપુરના વૈજ્ઞાાનિક મનિન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાઇરસનો નવો મ્યૂટન્ટ આવશે તો ઓક્ટોબર અને નવેમ્બરમાં થર્ડ વેવનું સંક્રમણ ટોચ પર પહોંચશે. જોકે થર્ડ વેવના પીક દરમિયાન દેશમાં મહત્તમ એક લાખ દૈનિક કેસ નોંધાઇ શકે છે. જો નવો મ્યૂટન્ટ નહીં આવે તો હાલની સ્થિતિમાં બદલાવ થવાની કોઇ સંભાવના નથી.