દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં : CM વિજય રૂપાણી
દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતમાં હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કરખડી ગામે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમી લાઈફ સાયન્સીસના આધુનિક રિચર્સ સેન્ટરનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મુખ્યપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું કે રાજ્યમાં સ્ટાર્ટઅપ, રિસર્ચથી લઈને અભ્યાસ માટે પારદર્શી સિસ્ટમ બનાવી છે, જેના થકી ડાયમંડ, ઓટો, ફાર્મા સહિત અનેક ક્ષેત્રે દેશ-વિદેશનું મુડીરોકાણ વધ્યું છે.ગુજરાતમાં દેશભરના લાખો લોકોને રોજીરોટી મળી રહી છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે દેશભરમાં સૌથી ઓછો બેરોજગારી દર ગુજરાતનો છે.ગુજરાતમાં 1.2 ટકા બેરોજગારી દર છે, તો અન્ય રાજ્યોમાં બેરોજગારી દર 20 ટકાની ઉપર છે.
આ પહેલા પણ મુખ્યપ્રધાન રૂપાણીએ ગુજરાતમાં બેરોજગારી દર ઓછું હોવાનું નિવેદન આપ્યું હતું. વિધાનસભામાં પ્રશ્નોત્તરી સમય દરમ્યાન તાપી અને ડાંગ જિલ્લામાં કાર્યરત GIDC અંગે પૂછવામાં આવેલા પ્રશ્નની ચર્ચામાં મુખ્યપ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે ઉદ્યોગોના નિર્માણ થકી ઘર આંગણે રોજગારી આપવાના નિર્ધાર સાથે અમે કામ કરી રહ્યા છીએ. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 23 GIDCનું નિર્માણ કર્યું છે અને આગામી સમયમાં બહુમાળી GIDCનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ.
મુખ્યપ્રધાને કહ્યું હતું કેઉદ્યોગોના નિર્માણ દ્વારા જ રોજગારીનો વ્યાપ વધુને વધુ વધે છે. ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે સાધેલો વિકાસ અને માળખાકીય સવલતોના પરિણામે ઔદ્યોગિક ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેના પરિણામે રાજ્યમાં રોજગારીનું પ્રમાણ વધ્યું છે એટલે જ સૌથી ઓછા બેરોજગારી દર સાથે ગુજરાત દેશભરમાં રોજગારી માટે મોખરે છે.