કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતોઓએ આપ્યું ભારત બંધનું એલાન
કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ કરવામાં આવેલુ ખેડૂતોનું આંદોલન ફરી મોટુ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં ખેડૂતોએ મહાપંચાયત યોજી હતી, જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટક તેમજ અન્ય રાજ્યોથી હજારોની સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. આ મહાપંચાયતને સંબોધતા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે 27મી તારીખે ભારત બંધનું એલાન પણ કર્યું હતું. સાથે જ પુરા ઉત્તર પ્રદેશ અને દેશભરમાં ચૂંટણી પૂર્વે આવી પંચાયતોના માધ્યમથી ખેડૂતોને જોડવાની જાહેરાત પણ કરી હતી. મુઝફ્ફરનગરમાં યોજાયેલી આ ખેડૂત મહાપંચાયત એટલી વિશાળ હતી કે તેમાં આવેલા ખેડૂતોની ભોજન વ્યવસૃથા માટે સંખ્યાબંધ લંગર એટલે કે ભોજન સ્ટોલ પણ નાખવામાં આવ્યા હતા. દેશના આશરે 300 જેટલા મોટા ખેડૂત સંગઠનોના ખેડૂતો આ મહાપંચાયતમાં ભાગ લેવા પહોંચ્યા હતા.
ખેડૂત નેતાઓએ મંચ પરથી કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દાવા કરી રહી છે કે માત્ર મુઠ્ઠી જેટલા ખેડૂતો જ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે.જોકે કેન્દ્ર સરકારના મંત્રીઓ અહીં મુઝફ્ફરનગરમાં આવીને જોવે કે કેટલી મોટી સંખ્યામાં ખેડૂતો આ કૃષિ કાયદાના વિરોધ માટે એકઠા થયા છે. ખેડૂત નેતાઓએ કહ્યું કે ખેડૂતો આવો આપણો અવાજ એટલો બુલંદ કરીએ કે તે સંસદમાં બેઠેલા નેતાઓ સુધી પહોંચે. અને તેઓ આપણી માગણીઓ પર ધ્યાન આપે.
ખેડૂતોની વિવિધ માગણીઓમાં કૃષિ કાયદાઓને પરત લેવા અને ટેકાના ભાવને કાયદેસર માન્યતા આપવી આ બન્ને મુખ્ય છે. જેને ધ્યાનમાં રાખીને હવે ખેડૂતોએ શરૂ કરેલુ આંદોલન ફરી ઉગ્ર દિશા તરફ જઇ રહ્યું છે.ખેડૂતોએ 9-10 તારીખે લખનઉમાં એક બેઠક યોજવાની જાહેરાત કરી છે. મહાપંચાયતમાં આવેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મંચ પરથી કહ્યું કે ખેડૂતોના સંગઠન સંયુક્ત મોરચાએ શરૂ કરેલું આ મિશન યુપી અને ઉત્તરાખંડ સુધી સિમિત નહીં રહે પણ પુરા ભારતમાં ફેલાશે, આ મિશન દેશ, બંધારણ બચાવવા માટે છે.
દેશના 14 કરોડ બેરોજગારો પણ અમારી સાથે છે. ટિકૈતે એક સુત્ર આપતા કહ્યું કે ટેકાના ભાવ નહીં તો મત પણ નહીં. આ સરકારને હવે વોટની ચોટ આપવાની છે. ટિકૈતે યોગી અને મોદીને ઉત્તર પ્રદેશ બહારના નેતા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ લોકો રમખાણો કરાવનારા છે, તેઓને આ રાજ્યની જનતા નહીં સ્વિકાર કરે.
300થી વધુ ખેડૂત સંગઠનોની આ મહાપંચાયતમાં મંચ પરથી જાહેરાત કરવામા આવી હતી કે માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં દેશભરમાં ભાજપની સામે રસ્તા પર ઉતરીશું. રાકેશ ટિકૈતે કહ્યું કે દિલ્હી સરહદે અમારી કબર બની જાય તો પણ અમે ત્યાંથી નહીં હટીએ અને આંદોલન ચાલુ રહેશે.