ઉનાળાની ગરમીનાં પ્રકોપમાં ઝાડા ઉલ્ટીનાં કેસમાં વધારો
અમદાવાદ :
અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગનાં કેસો નોધાઇ રહ્યા છે. તમામ પગલા લેવાઇ રહ્યા હોવા છતાં નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. ગરમીનાં પ્રમાણમાં વધારો થતા પાણીજન્ય રોગોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. પાણીજન્ય રોગોની વાત કરીએ તો માત્ર 24 દિવસનાં ગાળામાં જ ઝાડા ઉલ્ટીનાં 560, કમળાનાં 142, ટાઇફોઇડનાં 222 કેસ સપાટી ઉપર આવ્યા છે.
ગતવર્ષ માર્ચ 2017માં ઝાડા ઉલ્ટીનાં 616 કેસ નોધાયા હતા. દિવસેને દિવસે વધી રહેલા ઝાડા ઉલ્ટીનાં કેસ તંત્ર માટે પણ ચિંતાનું કારણ બની ગયુ છે. ચાલુ મહિનામાં મચ્છરજન્ય કેસોમાં પણ વધારો ઝીંકાયો છે. સાદા મેલેરિયાનાં 79 કેસ અને ઝેરી મેલેરિયાનાં 6 કેસ સામે આવ્યા છે. જ્યારે ડેન્ગ્યુનાં 16 કેસ સપાટી ઉપર આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગને રોકવા વિવધ પગલા લેવાઇ રહ્યા હોવા છતા કેસ સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહી છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ફેરફાર થવાના કારણે રોગચાળાનાં કેસમાં વધારો થયો છે.