ગુજરાત

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી પહેલા ભાજપના બંન્ને જુથો પાટીલના શરણે થયાં !

સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપના મેન્ડેન્ટ આપવાના નિર્ણયથી બંન્ને જુથ મુંઝવણમાં,કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપાશે કમાન

ભારતીય જનતા પાર્ટી દ્વારા સહકારી સંસ્થાની ચૂંટણીઓમાં ભાજપ દ્વારા મેન્ડેન્ટ આપવાની પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જાહેરાત કરતા રાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું રાજકારણ ગરમાયું છે.બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ભાજપના આ નિર્ણયથી ડી.કે.સખિયા અને હરદેવસિંહ જુથ તથા ધારાસભ્ય અરવિંદ રૈયાણીનું જુથ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને પોતાની રજૂઆત કરવા પહોંચી રહ્યા છે. ભાજપ દ્વારા બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીની કમાન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપાય શકે છે.

સહકારીતા સંમેલનમાં પ્રદેશ પ્રમુખને મળ્યા,અમારી રજૂઆત પહોંચાડી છે-ડી.કે.સખિયા

આ અંગે માર્કેટીંગ યાર્ડના હાલના ચેરમેન ડી.કે.સખિયાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતુ કે સહકારીતા સંમેલનમાં હું અને હરદેવસિંહ જાડેજા,નિતીન ઢાંકેચા,પરસોતમ સાવલિયા સહિતની અમારી ટીમે ભાગ લીધો હતો. અને અમે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની શુભેચ્છા મુલાકાત કરી હતી. બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણી અંગે ભાજપ મેન્ડેન્ટ આપશે જેથી અમે પાર્ટીને રજૂઆત કરી છે. અને અમારી દાવેદારી નોંધાવી છે.ભાજપ દ્રારા જે નિર્ણય લેવામાં આવશે તે શિરોમાન્ય છે.

અમે પણ અમારી રજૂઆત કરીશું-અરવિંદ રૈયાણી

આ અંગે ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ કહ્યું હતુ કે યાર્ડની ચૂંટણીની પ્રક્રીયા ટૂંક સમયમાં શરૂ થશે.પક્ષમાં દરેકને પોતાની રજૂઆત કરવાનો હક છે ત્યારે અમે પણ અમારી રજૂઆત,ટેકેદારોને ટીકીટ આપવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવશે.પાર્ટી જે નિર્ણય લેશે તે માન્ય રહેશે.

સરધાર સહકારી મંડળીમાં બંન્ને જુથ આવ્યા હતા આમને સામને

રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી સમયથી હરદેવસિંહ જાડેજા અને અરવિંદ રૈયાણીનું જુથ આમને સામને છે.તાજેતરમાં સરધાર સહકારી મંડળીની ચૂંટણીમાં બંન્ને જુથ આમને સામને આવ્યા હતા અને ૩૦ વર્ષ બાદ આ સહકારી મંડળીના ચૂંટણી યોજાય હતી જેમાં હરદેવસિંહ જાડેજા અને નિતીન ઢાંકેચા જુથનો હાથ ઉપર રહ્યો હતો અને અરવિંદ રૈયાણી અને ચેતન પાણ પ્રેરિત પેનલની હાર થઇ હતી.

જયેશ રાદડિયાને સોંપાશે કમાન

રાજકોટ જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ પર જયેશ રાદડિયાની પકડ મજબૂત છે અને ભૂતકાળની દરેક ચૂંટણીમાં જયેશ રાદડિયાનો દબદબો જોવા મળ્યો છે ત્યારે માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં પણ જયેશ રાદડિયાને કમાન સોંપાય શકે છે.અગાઉ જયેશ રાદડિયાએ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી બિનહરીફ કરવાની જાહેરાત કરી હતી જો કે હવે ભાજપના નવા નિયમથી ક્યાં પ્રકારના સમીકરણો રચાય છે તેના પર સૌની નજર રહેલી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x