શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનું શું છે ધાર્મિક મહત્વ ? જાણો
દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન માં શક્તિના શક્તિપીઠમાં માં નું હૃદય વસે છે. જેના કારણે દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. લોકો પગપાળા આવી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
કેમ યોજાય છે ભાદરવી પૂનમનો મહામેળો
ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે. જેમાં માં આદ્યશક્તિની આરાધના માટે નવ દિવસનું નવરાત્રી થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ જ છે કે નવરાત્રિ નિમિત્તે માં અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. જે ઉપરાંત અને પગપાળા લોકો ગરબો લઈ મા ના દ્વાર સુધી આવે છે.
માં અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પરત કરવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરાના કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રીનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિક ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી માં અંબાના આશીર્વાદ લઇ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે.
લાલ દંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન
લાલ દંડા સંઘ ની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા અંબાની બાધા રાખવામાં આવી હતી કે જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ માં અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ આંબાના સાનિધ્યમાં આવશે. જેને પગલે વર્ષો અમદાવાદથી પાંચ બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા.
દાંતા રાજવી પરિવાર વર્ષોથી અંબાજી આવતા લાલ દંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવાર ના જુના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. જ્યાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર આ લાલ દંડા સંઘનું સ્વાગત કરે છે.
માં ને નવરાત્રી નિમિત્તે આમંત્રણ આપવા આજે પણ લાખો ભક્તો પગપાળા આવે છે અંબાજી
આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં ૩૦ લાખથી વધુ માઇભક્તોએ મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માં અંબાને આમંત્રણ આપે છે.
આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેમા આગળ મૂકે છે અને તે પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.