ગુજરાતમાં વધુ એક વિદેશી કંપની પોતાના કાર નિર્માણનો પ્લાન્ટ કરશે બંધ
અમેરિકન કાર કંપની ફોર્ડને ભારતમાં યોગ્ય બિઝનેસ ન મળવાથી કંપની ભારતમાં પોતાનું ઉત્પાદન ધીમે ધીમે ઘટાડી રહી છે અને કંપનીએ ગુજરાતના સાણંદમાં આવેલા તેના પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરી દીધું છે. ફોર્ડ મોટર ઇન્ડિયાએ ગુજરાતમાં સાણંદ ખાતે 2015માં પોતાનો પ્લાન્ટ શરૂ કર્યો હતો. આ અંગે કંપનીએ તેના કર્મચારીઓને પણ જાણ કરી છે. મહત્વનું છે કે આ પહેલા જનરલ મોટર્સે ગુજરાતમાં કારનું ઉત્પાદન બંધ કર્યું હતું જે બાદ હવે ફોર્ડ પણ સાણંદ ખાતે આવેલા પ્લાન્ટમાં કારનું ઉત્પાદન બંધ કરશે. કંપનીએ આ નિર્ણય ભારતીય બજારમાં ફોર્ડની કારનું ઓછું વેચાણ થવાને લીધે અને નિકાસના ઓછાં ઓર્ડરથી મુશ્કેલી પડતાં આ પગલું ભરવામાં આવી રહ્યું છે. આથી ફોર્ડ ફીગો અને ફ્રી સ્ટાઇલ મોડલનું ઉત્પાદન અટકાવશે. જો કે ફોર્ડ એન્ડેવરનુ ઉત્પાદન ચાલુ રાખવામાં આવશે.
સાણંદ અને ચેન્નાઇ પ્લાન્ટ માટે કંપની ખરીદદાર શોધશે. ફોર્ડના ગુજરાતનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કંપની સાણંદમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે અને અહીંથી એન્જિનની નિકાસ પણ કરવામાં આવશે. કંપનીનો ભારતમાં આ બીજો પ્લાન્ટ છે. ગુજરાત પ્લાન્ટની 2.20 લાખ કારની સ્થાપિત ઉત્પાદનક્ષમતા સામે વર્તમાન ઉત્પાદન 30 થી 40 હજાર કારનું છે. હાલ આ પ્લાન્ટમાં 3 હજારથી વધુ લોકો કામ કરી રહ્યા છે જેમની રોજગારી પર મોટો સવાલ થઈ રહ્યો છે, પ્લાંટ હાલ 10% ક્ષમતા સાથે ચાલી રહ્યો છે પણ કર્મચારીને પ્લાન્ટ બંધ થવા અંગે જાણકારી આપી દેવામાં આવી છે જેનો મતલબ એ છે કે આડકતરી રીતે કર્મચારીઑને અન્ય કોઈ જગ્યાએ રોજગાર શોધવાનું જણાવી દેવામાં આવ્યું છે. જોકે આ કર્મચારીના રોજગારી અંગે કે કંપની બંધ થતાં છટણી અંગે હજુ પણ કંપની દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કૂવા હોય તો હવાડામાં આવે એવો ઘાટ સર્જાતાં હાલ તો કર્મચારીઑ અન્ય જગ્યાએ નોકરી શોધવા લાગ્યા છે
ફોર્ડે 2019માં ગુજરાતમાં સાણંદ સ્થિત પોતાના પ્લાન્ટને લઇ ને ભારતીય કાર ઉત્પાદક મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર સાથે જોડાણ કર્યું હતું. બંને કંપનીઓ મળીને કારના નવા મોડેલ ડેવલપ કરવા માટે કરાર કર્યા હતા. જોકે થોડા સમય બાદ આ ટાઇઅપમાં કોઈ ડેવલપમેન્ટ થયું ન હતું અને બંને કંપનીઓ અંગત સહમતીથી અલગ થઈ હતી. કરાર મુજબ મહિન્દ્રાની ગાડી ફોર્ડના સાણંદ પ્લાન્ટમાં બનવાની હતી. પણ મહિન્દ્રા સાથેની પાર્ટનરશિપ ફોર્ડને ભારતમાં ન તારી શકી
ફોર્ડ ભારતમાં 1995માં પ્રવેશી
2018-19માં ભારતમાં કુલ 92,937 ગાડીઓનું વેંચાણ હતું
2020-21માં 41,875 કારનું વેચાણ થયું
ગુજરાત પ્લાન્ટની ઉત્પાદનક્ષમતા સામે વેચાણ નીચું થયું
પ્લાન્ટમાં 3 હજારથી વધુ લોકો કામ કરી રહ્યા છે
હાલમાં ફોર્ડ કારનો બજાર હિસ્સો 2%થી પણ ઓછો છે
મહિન્દ્રા સાથેની પાર્ટનરશિપ નિષ્ફળ રહી
સાણંદમાં એન્જિનનું ઉત્પાદન ચાલુ રાખશે