આજથી ગણેશોત્સવ શરૂ, ગણેશચતુર્થીએ આખા દિવસમાં 4 શુભ મુહૂર્ત રહેશે, જાણો
10 સપ્ટેમ્બર, શુક્રવાર એટલે આજે બ્રહ્મ અને રવિયોગમાં ગણપતિ સ્થાપના થશે. આ દિવસથી ગણેશોત્સવ શરૂ થશે અને 19 સપ્ટેમ્બરના રોજ અનંત ચૌદશના દિવસે ગણેશવિસર્જન કરવામાં આવશે. પુરાણો પ્રમાણે, ભગવાન ગજાનનનો જન્મ ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ મધ્યાહન કાળમાં એટલે બપોરે થયો હતો, જે આ વર્ષે બપોરે 12.20થી 01.20 સુધીનો સમય છે, એટલે વિદ્વાનોના કહેવા પ્રમાણે, આ સમયે ગણેશ સ્થાપના કરવી શુભ રહેશે. આ સાથે ગણેશચતુર્થીના દિવસે મૂર્તિ સ્થાપના માટે આખા દિવસમાં 4 શુભ મુહૂર્ત છે. પુરાણો અને જ્યોતિષ ગ્રંથો પ્રમાણે, સૂર્યાસ્ત પછી મૂર્તિ સ્થાપના કરવામાં આવતી નથી, પરંતુ આ દિવસે ગૌધૂલિ મુહૂર્તમાં ગણેશ સ્થાપના શુભ માનવામાં આવે છે.
થોડા લોકો શુભ ચોઘડિયામાં સ્થાપના અને પૂજા કરે છે, તેમના માટે મુહૂર્ત-
- સવારે 6.10થી 10.40 સુધી (ચર, લાભ અને અમૃત)
- બપોરે 12.25થી 1.50 સુધી (શુભ)
- સાંજે 05થી 6.30 સુધી (ચર)
ગણપતિની જમણી અને ડાબી સૂંઢનું મહત્ત્વ-
જે મૂર્તિમાં ગણેશજીની સૂંઢ જમણી તરફ હોય એને સિદ્ધિવિનાયક સ્વરૂપ માનવામાં આવે છે, જ્યારે ડાબી સૂંઢવાળા ગણેશ વિઘ્નવિનાશક માનવામાં આવે છે. સિદ્ધિવિનાયકને ઘરમાં સ્થાપિત કરવાની પરંપરા છે અને વિઘ્નવિનાશક ઘરની બહાર દ્વાર પર સ્થાપિત કરવામાં આવે છે, જેથી ઘરમાં કોઈ પ્રકારનું વિઘ્ન એટલે કે પરેશાનીઓનો પ્રવેશ થઈ શકે નહીં. ઓફિસમાં ડાબી તરફ સૂંઢવાળા અને ઘરમાં જમણી તરફ સૂંઢવાળા ગણપતિજીને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
માટીના ગણેશ શુભ-
ગણેશજીની મૂર્તિ માટીની હોવી જોઈએ, કેમ કે માટીમાં સ્વાભાવિક પવિત્રતા હોય છે. જ્યોતિષીઓ અને ધર્મશાસ્ત્રોના જાણકારોના જણાવ્યા પ્રમાણે, માટીની ગણેશ પ્રતિમા પંચતત્ત્વથી બનેલી હોય છે. એ મૂર્તિમાં જમીન, જળ, વાયુ, અગ્નિ અને આકાશના અંશ રહેલા હોય છે, એટલે એમાં ભગવાનનું આવાહન અને તેની પ્રતિષ્ઠા કરવાથી કાર્યસિદ્ધ થાય છે.
માટીના ગણેશની પૂજા કરવાથી પોઝિટિવ ઊર્જા મળે છે. ત્યાં જ પ્લાસ્ટર ઓફ પેરિસ અને અન્ય કેમિકલ્સ દ્વારા બનેલી મૂર્તિમાં ભગવાનનો અંશ રહેતો નથી. એનાથી નદીઓ પણ અપવિત્ર થાય છે. બ્રહ્મપુરાણ અને મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નદીઓને ગંદી કરવાથી દોષ લાગે છે.