ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા જ ભાજપમાં ગાબડું પડયું, બે ભાજપ આગેવાનોએ ધર્યા રાજીનામાં
ગાંધીનગર મનપાની ચૂંટાણી એટલા માટે રસપ્રદ બની રહી છે કારણ કે આ ગૃહમંત્રી અમિતશાહનો સંસદીય વિસ્તાર છે. ગાંધીનગર મનપા પર કેસરીયો લહેરાવવા ભાજપ ફુંકી ફુંકી સ્થિતિનો તાગ મેળવી રહી છે. ગુજરાતમાં AAPની એન્ટ્રીથી આમ પણ રાજકારણ ગરમાયું છે. સુરતમાં AAPના જોરદાર પ્રદર્શન બાદ હવે વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પણ ગાંધીનગરને ઝાડુથી સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. ત્યારે ભાજપને ચૂંટણી પહેલા મોટો ફટકો પડ્યો છે. વિજયસિંહ વાઘેલા, ગિરીશસિંહ વાઘેલાએ રાજીનામું ધરબી દેતા ભાજપને ઝટકો લાગ્યો છે.
કોણ છે રાજીનામાં આપનાર
ગાંધીનગર મનપાની ચૂંટણી ટાણે ભાજપમાં ગાબડું પડ્યું છે પેથાપુર પૂર્વ સરપંચના પુત્ર વિજયસિંહ વાઘેલા ઘણા સમયથી ગાંધીનગર જિલ્લામાં ભાજપના સક્રિય કાર્યકર્તા હતા. તો બીજી તરફ રાજીનામું આપનાર ગિરીશસિંહ વાઘેલા ભાજપ કિસાન મોરચાના મંત્રી હતા જે પણ ઘણા સમયથી ભાજપ માટે તનતોડ મહેનત કરી રહ્યા હતા, અચાનક ચૂંટણી પહેલા રાજીનામું આપી દેતા અનેક અટકળો લગાવાઈ રહી છે. બીજી તરફ એ પણ વાત વહેતી થઈ છે કે બંને આપ પાર્ટીના સંપર્કમાં છે. આમ વર્ષોથી ભાજપમાં દિવસ રાત એક કરીને કામ કરી રહેલા કાર્યકરની વિકેટો પડતાં ગાંઘીનગર મનપામાં ભાજપ માટે બેટિંગ કરવી અઘરી બની શકે છે.
3 ઓક્ટોબરે ચૂંટણી 5એ પરિણામ
સમગ્ર મહાનગરપાલિકની ચૂંટણીની જવાબદારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપવામાં આવી છે, તેમજ જ્યાં સુધી ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી મંત્રીઓને ગાંધીનગરમાં જ રહેવાનો આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગર મનપાની ચૂંટણી એટલા માટે પણ રસસ્પદ બની રહેશે કેમકે આવખતે ચૂંટણી આમ આદમી પાર્ટી પણ ઝંપલાવી શકે છે, તો બીજી તરફ ગાંધીનગર મતવિસ્તાર અમિત શાહનો મતવિસ્તાર હોવાથી ભાજપ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવી દેશે. મહત્વનું છે કે 3 ઓક્ટોબરે મનપાની ચૂંટણી માટે મતદાનાર છે તેમજ 5 ઓક્ટોબરના દિવસે પરીણામ જાહેર કરવામાં આવશે. ભાજપે ચૂંટણી જીતવા માટે મંત્રીઓને સોંપી જવાબદારી
ઉલ્લેખનિય છે કે ચૂંટણીઓ નજીક આવતા જોડતોડની રાજનીતિ શરૂ થઈ જતા હોય છે એવામાં ગાંધીનગર મનપાની ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય અગ્રણીઓએ પક્ષ અને વિરોધી પક્ષના નબળા પાસાઓ પણ શોધવા માંડ્યા છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં તડજોડની રાજનીતિ પણ શરૂ થઈ જતી હોય છે ત્યારે દર વખતની જેમ કોંગ્રેસ આ વખતે પણ પોતાના કાર્યકરોને સાચવવામાં થાપ ખાઈ શકે તેવું લાગી રહ્યું છે. તો બીજી તરફ ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી પણ સક્રિય જોવા મળી રહ્યું છે.