આખરે ભાજપે કોથળામાંથી બિલાડું કાઢ્યું : ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા ભૂપેન્દ્ર પટેલ
ગાંધીનગર :
ગુજરાતમાં વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપે કોથળામાંથી બિલાડું કાઢ્યું છે અને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે અમદાવાદના ઘાટલોડીયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની પસંલ્ગી કરાઈ છે. ડાર્ક હોર્સ તરીકે જાણીતા ભાજપે સરપ્રાઈઝ આપી છે અને જેમના નામ ચર્ચામાં હતા તેમાંથી કોઇ મુખ્યમંત્રી બન્યું નથી. ભૂપેન્દ્ર પટેલનું નામ ક્યાંય પણ ચર્ચામાં નહોતું અને કોઇએ પણ વિચાર્યું નહોતું તેવા ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાતાં સૌ કોઈ ચોંકી ઊઠ્યા છે. ભૂપેન્દ્ર પટેલ આનંદીબેન જૂથના ગણાય છે અને તેઓ ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે. મુખ્યમંત્રીની રેસમાં નીતિન પટેલ ઉપરાંત પ્રદેશ પ્રમુખ પાટિલ અને ગોરધન ઝડફીયા, મનસુખ માંવડિયાના નામ ચર્ચાતા હતા. જે કે, ભાજપે સરપ્રાઈઝ આપીને નવા નેતાને મુખ્યમંત્રી પદ તરીકે પસંદ કરી સૌ કોઇને ચોંકાવ્યા છે.
ગુજરાતમાં નવા મુખ્યમંત્રીને લઇ અનેક અટકળો ચાલતી હતી તેના ઉપર આખરે પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું છે. મુખ્યમંત્રી માટે જેમની દાવેદારી હતી તેવા નીતિન પટેલની જાહેરાત વચ્ચે કેન્દ્રીય નિરીક્ષકોએ ઘાટલોડીયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરી હતી. ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયાના ધારાસભ્ય છે અને લો પ્રોફાઈલ વ્યક્તિ છે અને વિવાથી દૂર રહેનારા છે.