કોરોનાની રસી લીધી હશે તો જ AMTS-BRTSમાં મુસાફરી કરી શકાશે
અમદાવાદ શહેરમાં આ વર્ષની ૧૬ જાન્યુઆરીથી શહેરીજનોને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શુક્રવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.આ નિર્ણય પ્રમાણે કોરોના વેકિસનનો પહેલો ડોઝ અથવા બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોય છતાં પણ બીજો ડોઝ લીધો ના હોય એવા તમામ લોકોને ૨૦ સપ્ટેમ્બરને સોમવારથી બી.આર.ટી.એસ., એ.એમ.ટી.એસ.ની બસોમાં મુસાફરી કરવા ઉપર પ્રતિબંધ લાગુ કરાશે. આ નિર્ણયને પગલે એ.એમ.ટી.એસ.ના રોજના પાંચ લાખ તથા બી.આર.ટી.એસ.ના સવા લાખથી વધુ મુસાફરો ઉપર અસર પહોંચશે.આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ,કાંકરીયા લેકફ્રન્ટ, શહેરમાં આવેલા મ્યુનિ.હસ્તકના સિવિક સેન્ટરો,સ્વિમિંગ પુલો,જીમનેશિયમ તથા મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ ઓફિસોમાં પ્રવેશ મેળવતા પહેલા કોરોના રસી લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવાનુ રહેશે.રસી નહીં લેનારા લોકોને વહેલી તકે રસી લેવા મ્યુનિ.તંત્ર દ્વારા અપીલ કરાઈ છે.
અમદાવાદ શહેરમાં આ વર્ષે ૧૬ જાન્યુઆરીથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ રસીકરણ કેન્દ્રો ઉપરથી કોરોના રસી આપવામાં આવી રહી છે.આ ઉપરાંત કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા પણ વેકિસન આપવામાં આવી રહી છે.મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી અત્યાર સુધીમાં ડ્રાઈવ થુ્ર વેકિસનેશન થી લઈ ઓન સ્પોટ વેકિસનેશન,સ્લમ એરીયામાં વેકિસનેશન,રેનબસેરામાં રસીકરણ સહીત અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે.અત્યાર સુધીમાં શહેરમાં કુલ ૫૩,૦૩,૪૧૯ લોકોને કોરોના વેકિસનના ડોઝ આપવામાં આવ્યા છે.પહેલો ડોઝ લેનારાઓની સંખ્યા ૩૬,૫૯,૨૦૦ ઉપર જયારે બંને ડોઝ લેનારાઓની સંખ્યા ૧૬,૪૪,૨૧૯ ઉપર પહોંચવા પામી છે.આમ છતાં હજુ ઘણી મોટી સંખ્યામાં લોકોએ રસી લેવાની બાબતમાં તૈયારી બતાવતા નથી.મ્યુનિ.ના આ નિર્ણયને પગલે એ.એમ.ટી.એસ.તેમજ બી.આર.ટી.એસ.માં રોજ મુસાફરી કરવાવાળા મુસાફરો ઉપર તેની સૌથી મોટી અસર જોવા મળશે એમ મનાઈ રહ્યું છે.
અમદાવાદ શહેરમાં રસીકરણ ઝૂંબેશ શરુ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીના સમયમાં ૭૭ ટકાથી વધુ લોકોએ કોરોના વેકિસનનો પહેલો ડોઝ લીધો છે.૨૦ સપ્ટેમ્બરને સોમવારથી ૧૮ વર્ષથી વધુ ઉંમરના જે લોકોએ કોરોના વેકિસનનો પહેલો ડોઝ લીધો નહીં હોય તેમજ બીજો ડોઝ લેવાનો સમય થઈ જવા છતાં બીજો ડોઝ નહીં લીધો હોય તેવા તમામ લોકોને મ્યુનિ.ના તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ આપતા પહેલા અટકાવાશે.રસી લીધી છે એ અંગેનું સર્ટિફિકેટ માંગવામાં આવશે.જો રસી લીધા અંગેનું સર્ટિફિકેટ નહીં હોય તો પ્રવેશ આપવામાં આવશે નહીં.
મ્યુનિસિપલ કમિશનરે પણ ટવીટ કર્યુ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦ સપ્ટેમ્બરને સોમવારથી નો વેકિસન-નો-એન્ટ્રી અંગે લેવામાં આવેલા નિર્ણય અંગે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે પણ ટવીટ કરી આ નિર્ણય લેવામાં આવ્યો હોવા અંગે સમર્થન આપ્યુ હતું.સાથેજ જે લોકોને હજુ પણ વેકિસન લેવાની બાકી છે એમને તાકીદે વેકિસન લેવા અપીલ કરી હતી.
કયા-કયા સ્થળોએ પાબંધી લાગશે?
એ.એમ.ટી.એસ,બી.આર.ટી.એસ, કાંકરીયા લેક ફ્રન્ટ,કાંકરીયા ઝૂ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જીમ્નેશિયમ, સ્વિમિંગ પુલ, એ.એમ.સી. સ્પોર્ટસ કલબ, સીટી સીવીક સેન્ટર તથા મ્યુનિ.ના તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ મેળવવા માંગનાર વ્યકિતએ વેકિસન લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ બતાવવું પડશે.આમ કરવામાં નિષ્ફળ જનારને પ્રવેશ આપવામાં આવશે નહીં.
કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા સો ટકા રસીકરણના લક્ષ્યાંક માટે નિર્ણય લેવાયો
અમદાવાદ શહેરમાં આ વર્ષની ૧૬ જાન્યુઆરીથી કોરોના વેકિસન આપવામાં આવી રહી છે.આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તારોમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા સો ટકા રસીકરણના લક્ષ્યાંકને પાર પાડવા આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યુ છે.થોડા સમય અગાઉ કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવ્યા હતા.એ સમયે તંત્રના અધિકારીઓ સાથે તેમણે યોજેલી બેઠકમાં પ્રધાન મંત્રી આયુષમાન કાર્ડ અને કોરોના વેકિસનેશનની કામગીરીને વધુ ઝડપી બનાવી સો ટકા લક્ષ્યાંક પાર પાડવા તંત્રને સુચના આપી હતી.એ કારણથી પણ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાની મ્યુનિ.વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.