ગાંધીનગર

ઔડા-ગુડાના 36 ગામને 16 કરોડની ગ્રાન્ટ, સરપંચોએ સરકારમાં કરેલી રજૂઆત ફળી

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ફાળવાયેલી 14મા નાણાંપંચની ગ્રાન્ટમાં ગાંધીનગર જિલ્લાના ઔડા અને ગુડા વિસ્તારમાં આવેલા 36 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેના કારણે આ તમામ ગામોમાં અટકેલા વિકાસ કામો હવે ઝડપથી આગળ વધશે. તેમાં ગાંધીનગર તાલુકાના 29 અને કલોલ તાલુકાના 7 ગામનો સમાવેશ થાય છે. આ અંગેની વિગતો એવી છે કે ગાંધીનગર જિલ્લાના 4 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ ઉભી કરવાના વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ વર્ષ 14મા નાણાપંચની ગ્રાન્ટ પાળવવામાં આવે છે.
સરપંચોએ સરકારમાં કરેલી રજૂઆત ફળી : હવે અટકેલા વિકાસ કામો ઝડપથી હાથ ધરાશે
ગત વર્ષે ગાંધીનગર જિલ્લાને રૂ. 8 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી હતી. પરંતુ તેમાં શહેરી સત્તા મંડળમાં સમાવાયેલા ગાંધીનગર જિલ્લાના ગામોને બાકાત રાખવામાં આવ્યા હતાં. તેના કારણે ઔડા અને ગુડામાં સમાવેયાલા ગામોમાં પ્રજાના વિકાસ કામો અને સુવુધાઓ ઉપલબ્ધ થઇ શકી ન હતી. આ અંગે ગાંધીનગર જિલ્લાના કલોલ અને ગાંધીનગર તાલુકાના મળી 36 ગામના સરપંચો દ્વારા રાજ્ય સરકાર સમક્ષ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હતી. તેમાં એવી માગણી કરવામાં આવી હતી કે નિયમ અનુસાર 14મા નાણાપંચની ગ્રાન્ટમાં શહેરી સત્તા મંડળના ગામો પણ હક્કદાર છે.
જેથી આવા તમામ ગામોને 14મા નાણાપંચની ગ્રાન્ટમાં સમાવેશ કરવો જોઇએ. તેમ કરવામાં આવશે તો આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં આવશ્યક સુવિધાઓ ઉભી થઇ શકશે. ગ્રામ પંચાયતની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા આ વખતે 14મા નાણાપંચના પ્રથમ હપ્તા પેટે ગાંધીનગર જિલ્લાને રૂ.16 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે. તેમાં ગુડા (ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ) હેથળ આવતાં ગાંધીનગર શહેર આસપાસના 29 ગામ  અને (અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ) હેઠળના કલોલ આસપાસના 7 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગામનો ઉમેરો થતાં ગ્રાન્ટની રકમ બમણી થઇ
ઔડા અને ગુડા વિસ્તારના 36 ગામનો સમાવેશ કરવામાં આવતાં રાજ્ય સરકારે ગ્રાન્ટની રકમ બમણી કરી છે. ગત વર્ષે રૂ. 16 કરોડની ગ્રાન્ટ બે હપ્તે ચૂકવવામાં આવી હતી. જ્યારે આ વખતે રૂ.16 કરોડનો પ્રથમ હપ્તો ચૂકવ્યો છે. જેથી હવે આગામી સમયમાં 16 કરોડનો બીજો હપ્તો મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x