ગુજરાત

રાજ્ય સરકારનો લક્ષ્યાંક: નર્મદા કેનાલના કિનારે 3 કરોડ વૃક્ષ રોપાશે

ગાંધીનગર : રાજ્યમાં વન વિભાગ દ્વારા દર વર્ષે ચોમાસામાં વન મહોત્સવથી વૃક્ષારોપણનો પ્રારંભ કરવામાં આવે છે પરંતુ આ વખતે મુખ્યમંત્રીના સૂચનને અપનાવીને વન વિભાગ દ્વારા નર્મદાથી કચ્છ સુધી 458 કિલોમીટર લાંબી નર્મદાની મુખ્ય કેનાલની બંને તરફ કુલ 3 કરોડ વૃક્ષો રોપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા વિવિધ ઝોનના અધિકારીઓ અને સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સહયોગથી આ આયોજન પાર પડાશે. રાજ્યમાં દર વર્ષે કરોડોની સંખ્યામાં વૃક્ષો રોપવામાં આવે છે જેની સામે ખુલ્લી જમીનોની ઉપલબ્ધિનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે. જેના પગલે આ નર્મદા કેનાલના કિનારે વૃક્ષો રોપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં 10 કરોડ વૃક્ષો ઉછેરવાનો રાજ્ય સરકારનો લક્ષ્યાંક
વન મંત્રી મંગુભાઇ પટેલે જણાવ્યું કે કેનાલની બંને તરફ વૃક્ષો રોપવા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે સૂચન કર્યું હતું જેનો વન વિભાગ અમલ કરશે. વૃક્ષારોપણની સાથે વૃક્ષોનો ઉછેર કરવો એ પણ મોટી જવાબદારી છે. કરોડોની સંખ્યામાં ટ્રી ગાર્ડની વ્યવસ્થા પણ થઇ શકે નહીં જેથી બેથી 3 ફૂટ ઊંચા રોપા મળે તેવી વ્યવસ્થા ગોઠવાશે. આ ઉપરાંત 27મીથી વન મહોત્સવનો પ્રારંભ પણ કરવામાં આવશે. આ વખતે રાજ્યના ચાર સ્થળોએ મહોત્સવ ઊજવાશે. જેની સાથે સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણનો પ્રારંભ થશે. ચોમાસાની સિઝન દરમિયાન વન વિભાગ અને નાગરિકોના સહકારથી 10 કરોડ જેટલા રોપા રોપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
વન વિભાગ દ્વારા સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સહયોગથી આ આયોજન પાર પાડવામાં આવશે
વૃક્ષારોપણ માટે વિવિધ 18 જાતના રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે ગુલમહોર, લીમડા, ગરમાળો, ચંદન, કૈલાસપતી, બોરસલી, કદમ, આંબા, જાંબુ, ગુંદા, વાંસ, વડ, પીપળા, સરગવો અને નીલગિરીનો સમાવેશ થાય છે. (જ્યારે પણ શક્ય હોય સગવડ અનુસાર એક છોડ ઉગાડો એ સમાજ માટે આપની વ્યક્તિગત ભાગીદારી હશે.)
છોડ ઝડપથી વધે તે માટે જાપાની પદ્ધતિથી રોપાશે
વન વિભાગના અભ્યાસ દરમિયાન જાપાની પદ્ધતિથી રોપવામાં આવેલા છોડ વધુ ઝડપથી અને સારી રીતે ઉછરતા હોવાનું જણાઇ આવ્યું હતું. વાપીમાં આ પ્રયોગ સફળ રહેતા હવે અન્ય સ્થળોએ તેનો અમલ કરવામાં આવનાર હોવાનું મંગુભાઇ પટેલે જણાવ્યું હતું. આ પદ્ધતિમાં એક ડોલમાં ગોબર અને ગૌમૂત્રનું મિશ્રણ કરી તેમાં છોડના મૂળિયા પલાળવામાં આવે છે. વૃક્ષ રોપ્યા પછી તેની બાજુમાં ઘાસની પરાળ નાંખવામાં આવે છે. જેના કારણે છોડ ઝડપથી ઉછરી શકે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x