ગાંધીનગર

ગાંધીનગરઃ ઢોર પકડ પાર્ટી મહિને ૪.૫ લાખનો હપ્તો ઉઘરાવતા શહેરમાં રખડતા ઢોરમાં વધારો થયો

ગાંધીનગરનાં સેક્ટર-21 વિસ્તારમાં રખડતા ઢોર પકડવા માટે ગયેલી ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે આજે સવારે ઘર્ષણ સર્જાયું હતું. ત્યારે ઢોર પકડ પાર્ટી સાથે બંદોબસ્તમાં હાજર પોલીસ જવાને એક માલધારીને ફટકારતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. જ્યારે માલધારીઓએ ઢોર પકડ પાર્ટી દ્વારા મહિને સાડા ચાર લાખનો હપ્તો ઉઘરાવવામાં આવતો હોવા છતાં ઢોર પકડી લેવામાં આવતો હોવાની કથિત આક્ષેપ કરતો વીડિઓ પણ વાયરલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી જવા પામ્યો છે. ત્યારે ઢોર પકડ પાર્ટી દ્વારા એસઆરપી બંદોબસ્ત સાથે સેકટર-21 વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહી આજે શરૂ કરાઈ હતી. તે વખતે ઢોર પકડ પાર્ટી અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.

એ દરમિયાન બંદોબસ્તમાં હાજર એક જવાને એક માલધારીને ફટકારતાં મામલો બિચક્યો હતો. ત્યારે માર મારનાર પોલીસ કર્મચારી દારૂના નશામાં હોવાનું જણાઈ આવતાં માલધારીઓએ વીડિઓ ઉતારવાનું ચાલુ કરી દીધું હતું. જેથી જવાન ત્યાંથી રવાના થઇ ગયો હતો. તો બીજી તરફ સમગ્ર મામલો સેકટર-21 પોલીસ મથકમાં પહોંચ્યો છે.

આ અંગે માલધારી ગાભુભાઈ રબારીએ ઢોર પકડ પાર્ટી પર કથિત આક્ષેપ કરતો વીડિઓ વાયરલ કર્યો છે. જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે, ઢોર પકડ પાર્ટીના પાર્થ બાબુભાઈ પટેલ (ચૌધરી)ને 15 હજાર હપ્તો આપતા હતા. જે હપ્તાની રકમ વધારી દઈ 35 હજારની માંગણી કરાઈ રહી છે. ગાંધીનગરમાં માલધારીઓ પાસેથી મહિને સાડા ચાર લાખ હપ્તો ઉઘરાવવામાં આવતો હોવા છતાં ઢોર પકડી લેવામાં આવે છે.

આજે મારા દીકરાને SRP જવાને પકડી રાખ્યો હતો અને પોલીસ કર્મચારીએ મૂઢ માર માર્યો હતો. હપ્તો નહીં આપવામાં આવતા ઢોર પકડવામાં આવી રહ્યા છે અને પાર્થ પટેલ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી રહ્યો છે.

દારૂ પીધેલો પોલીસ કર્મચારી નાસી ગયો છે અને પોલીસ પણ હજી તેને પકડી લાવી નથી. અમે સેકટર-21 પોલીસ મથકમાં ફરિયાદ કરવા આવ્યા છીએ. ત્યારે પોલીસે હાલમાં કોર્પોરેશન પક્ષે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x