રાષ્ટ્રીય

કૃષિ કાયદાના વિરોધમાં આજે ભારત બંધનું એલાન

કૃષિ વિરોધી ત્રણ કાયદાઓ, વિજળી બિલ 2020 તથા નવી શિક્ષણ નીતિની વિરુદ્ધમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા આપવામાં આવેલા તા.27/09/2021 ના ભારત બંધના એલાનમાં પોતાની સ્વેચ્છાએ બિનરાજકીય રીતે જોડાવવા અપીલ કરી છે. ખેડૂતોના હિતમાં આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં શાંતિપ્રિય રીતે જોડાવા માટે દરેક સહકારી અને ખેડૂત આગેવાનો તથા તમામ સમાજના આગેવાનોને અને સામાન્ય જનતાને તેમજ વેપારીઓને અને મજૂર સંગઠનનોને સંયુક્ત કિસાન મોરચા દ્રારા અપીલ કરવામાં આવી છે.

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે ગયા વર્ષે 26 નવેમ્બરથી દેશભરના ખેડૂતો અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ત્રણેય કાયદા પાછા ખેંચવામાં આવે અને તેમને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાયદાકીય ગેરંટી આપવામાં આવે. જો કે, સરકારે સતત કહ્યું છે કે નવા કાયદા ખેડૂત તરફી છે. SKM અને ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ ખેડૂત નેતાઓએ કેન્દ્ર સરકાર સાથે અનેક રાઉન્ડની વાતચીત કરી છે. પરંતુ ત્યાં કોઈ વાસ્તવિક સફળતા મળી નથી અને પ્રશ્નો હજુ પણ વણ ઉકલ્યા રહ્યાં છે.

ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરતા 40 થી વધુ ખેડૂત સંગઠનોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ કૃષિ કાયદાઓનો વ્યાપક વિરોધ કરવા માટે 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. દેશની જનતાને તેમજ રાજકીય પક્ષોને લોકશાહી અને સંઘવાદના સિદ્ધાંતોનું રક્ષણ કરવા ખેડૂતોની સાથે ઉભા રહેવાનું કહેતા SKM એ કહ્યું કે ખેડૂત વિરોધી મોદી સરકાર સામે ભારત બંધ મનાવવામાં આવી રહ્યો છે. તેમના ઐતિહાસિક સંઘર્ષને 10 મહિના પૂરા થયા છે.

દેશના 400થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા ત્રણ કૃષિ કાળા કાયદા વિરોધમાં 27 સપ્ટેમ્બરે આપવામાં આવેલ ભારત બંધને કોંગ્રેસે સમર્થન આપ્યું છે. ખેડૂત-ખેતી વિરોધી ત્રણ કાળા કાયદાઓને કારણે ગુજરાતમાં ૨૨૪માંથી 114 APMC બંધ થવાને આરે હોવાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના અધ્યક્ષ પાલ આંબલીયાએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં ખેડૂતોની આવક બમણી કરવાના વચન આપનારી ભાજપ સરકારના સાત વર્ષના શાસનમાં ખેડૂત વિરોધી નીતિના કારણે ખેડૂતોની આવક અડધી થઈ ગઈ છે. ખેડૂતોને પાક વિમો, સસ્તુ ખાતર અને બિયારણ, સિંચાઈની વ્યવસ્થા આપવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે અને ખેડૂતોનુ દેવુ માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓનું કરોડો રૂપિયાનુ દેવુ માફ કરે છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x