ગુજરાત

અમદાવાદમાં છેલ્લા એક કલાકથી કડાકા ભડાકા સાથે ઘોઘમાર વરસાદ ચાલુ

બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ શરૂ થયો છે. આજે સવારે 10 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થયો હતો. જે હજી પણ ચાલી રહ્યો છે. નોકરી ધંધે જતાં લોકોને વરસાદના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. બીજી તરફ અમદાવાદમાં રાજપથ ક્લબની પાછળના રોડ પર 20 મીનિટના વરસાદમા પાણી ભરાઈ ગયાં છે.

વરસાદને કારણે AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલો ઊભા થયાં છે.સાબરમતિ પોલીસ સ્ટેશન, આરટીઓ સર્કલ, હેલ્મેટ સર્કલ પાસે મેટ્રોના કામકાજ સ્થળે પાણી ભરાઈ જવાથી ભારે ટ્રાફિક જામ થયો હતો.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 147 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુર, બનાસકાંઠા અને વડોદરામાં થયો છે. ક્વાંટ, ડિસા અને ડભોઈમાં વરસાદ થવાથી લોકોમાં રાહત થઈ છે.

જ્યારે આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં 14 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સુરેન્દ્રનગર, મહેસાણા અને પાટણ જિલ્લામાં ધોધમાર વરસાદ થયો છે. દસાડામાં 18 મિમી, ખેરાલુમાં 15 મિમી અને વડનગરમાં 10 મિમી વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો કુલ 27 ઈંચ સાથે 83 ટકા વરસાદ થયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x