રાજ્યમાં હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળ્યા
આવકવેરા વિભાગે રાજ્યના એક પ્રમુખ હીરા વેપારીના 23 ઠેકાણાનો સર્વે કર્યો. વિભાગને ગ્રુપની કરોડો રૂપિયાની બિનહિસાબી આવક વિશે જાણવા મળ્યું છે. ગ્રુપના રિયલ એસ્ટેટ બિઝનેસમાં રૂપિયા 80 કરોડની બિનહિસાબી આવક અને ટાઇલ્સના બિઝનેસમાં 81 કરોડ રૂપિયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. વિભાગે 1.95 કરોડ રૂપિયાની જ્વેલરી જપ્ત કરી છે અને 10.98 કરોડ રૂપિયાના 8,900 કેરેટ બિનહિસાબી હીરા મળી આવ્યા છે. ઘણા લોકરોની માહિતી પણ સામે આવી, જેના ઉપયોગ પર રોક લગાવવામાં આવી છે.નાણા મંત્રાલય તરફથી જારી નિવેદન મુજબ આવક વેરા વિભાગે 22 સપ્ટેમ્બરના રોજ જે ઠેકાણાં પર સર્વે કરવામાં આવ્યો તે સુરત, નવસારી, મોરબી, વાંકાનેર તથા મહારાષ્ટ્રના મુંબઈમાં સ્થિત છે. આ દરમિયાન બિનહિસાબી લેવડદેવડની ઘણી માહિતી હાથ લાગી હતી. તેનાથી સંબંધિત ડેટા સુરત, નવસારી તથા મુંબઈના ગ્રુપના વિશ્વસનીય કર્મચારીઓ પાસેથી ગુપ્ત રીતે રાખવામાં આવ્યો હતો. તેમા જૂથના બિનહિસાબી ખરીદ-વેચાણની વિગતો, ખરીદીના બદલે રોકડનું સમાયોજન અને આ બિનહિસાબી આવકનું મિલકતોની ખરીદીમાં રોકાણ વગેરેનો સમાવેશ થાય છે.
518 કરોડના બિનહિસાબી હીરા ખરીદ્યા અને વેચ્યા
તપાસમાં સામે આવ્યું છે કે ગ્રુપે અગાઉના વર્ષોમાં 518 કરોડ રૂપિયાના બિનહિસાબી નાના પોલીશ્ડ હીરા ખરીદ્યા હતા અને વેચ્યા હતા. 95 કરોડની કિંમતના હીરાના ભંગારને રોકડમાં વેચ્યો અને તેને આવકવેરા પ્રક્રિયામાં સામેલ કર્યો નહીં. મંત્રાલયના જણાવ્યા અનુસાર જૂથના ખાતા દર્શાવે છે કે તેમણે અગાઉના વર્ષોમાં લગભગ 2,742 કરોડ રૂપિયાના નાના હીરા વેચ્યા છે. તેના બદલામાં જે ખરીદી કરવામાં આવી, તેના મોટા ભાગની ચુકવણી રોકડમાં કરવામાં આવી. ગ્રુપે છેલ્લા બે વર્ષમાં 189 કરોડ રૂપિયાની ખરીદી કરી છે, જ્યારે 1,040 કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે.