તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં અચાનક વઘારો જોવા મળ્યો
લોકડાઉનમાંથી મળેલી રાહત, કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવામાં ધરાર બેદરકારીને પગલે ગુજરાતમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. તહેવારોની ઉજવણીમાં લોકો બેદરકાર બન્યા હોય તેની અસર હવે જોવા મળી રહી છે. ગુરુવારે છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના ૩૪ નવા કેસ નોંધાયા છે. જે ૨૩ જુલાઇ એટલે કે ૮૩ દિવસ બાદ રાજ્યમાં નોંધાયેલા કોરોનાના સૌથી વધુ કેસ છે.
છેલ્લા ૨૪ કલાકમાં સુરત શહેરમાંથી ૫-ગ્રામ્યમાંથી ૪ સાથે ૯, અમદાવાદ-વલસાડમાંથી ૭, વડોદરામાંથી ૩, જુનાગઢ-કચ્છ-નર્મદામાંથી ૨ જ્યારે મહેસાણા-નવસારીમાંથી ૧-૧ નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૮,૨૬,૨૪૪ જ્યારે કોરોનાથી કુલ મરણાંક ૧૦,૦૮૬ છે. સળંગ પાંચમાં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪ દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી ૮,૧૫,૯૪૩ દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને રિક્વરી રેટ ૯૮.૭૫% છે.
૧૦ ઓગસ્ટ એટલે કે ૬૫ દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક ફરી ૨૦૦ને પાર થયો છે.