સરકારી નોકરી કરતા પતિ-પત્ની કર્મચારીઓ હવે કરી શકશે સાથે નોકરી
ગાંધીનગર :
ગુજરાત સરકારમાં નોકરી કરતા દંપતીઓ માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત સરકારે સરકારમાં નોકરી કરતા પતિ પત્નીઓને દિવાળી પહેલા જ દિવાળી ગિફ્ટ આપતો પરિપત્ર બહાર પાડ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલા પરિપત્ર પ્રમાણે પતિ પત્ની સરકારી કર્મચારી હોય તો એક જ જિલ્લા અને સ્થળ ઉપર કામ કરી શકશે. અને પત્ની માટે એક વર્ષ અને પતિ માટે બે વર્ષ નોકરીનો સમય થયો હોય તો બદલી પણ થઈ શકશે. આમ ગુજરાત સરકારે સરકારી નોકરી કરતા પતિ પત્ની માટે મહત્વનો નિર્ણય કર્યો છે.
પરિપત્ર અંગે વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમાંક-(1) સામેના તા.25/11/ 2005ના ઠરાવ સાથેના પરિશિષ્ટ-1 ના ફકરા નં.8(2)માં જોગવાઇ કરવામાં આવી છે કે, “જે કેસોમાં પતિ કે પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઇ જાહેર સાહસોમાં નોકરી કરતાં હોય તે કેસોમાં શક્ય હોય ત્યાં સુધી બંનેને એક જ સ્થળે રાખવા કોશિષ કરવી, જે સ્થળે પતિ કે પત્ની હોય તે જ સ્થળે પતિને કે પત્નીને ચાલુ રાખવા કે કોઇ એક સ્થળે બંનેને નિયુક્તિ આપવાની માંગણીઓ સક્ષમ કક્ષાએ સહાનુભૂતિપૂર્વક વિચારવી. આવી વિચારણાની પ્રક્રિયા દરમિયાન સક્ષમ સત્તાએ જાહેર હિત, વહીવટી જરૂરિયાતો અને કામના હિતને પ્રાધાન્ય આપવાનું રહેશે.”
સામાન્ય વહીવટ વિભાગના ઉપર વંચાણે લીધેલ ક્રમાંક-(2) સામેના ઠરાવથી તેમજ ક્રમાંક-(3) સામેના પરિપત્રથી દિવ્યાંગ કર્મચારી તેમજ કરાર આધારે ફિક્સપગારથી નિમણૂક મેળવનાર મહિલા કર્મચારીએ ઓછામાં ઓછા એક વર્ષની સેવા બજાવી હોય અને પુરુષ કર્મચારીએ ઓછામાં ઓછા બે વર્ષની સેવા બજાવી હોય અને આવા ઉમેદવારો જો બદલી માટે અરજી કરે ત્યારે આવી અરજીઓ ઉપર વિચારણા કરી બદલી કરી શકાશે તેવી જોગવાઇ કરવામાં આવી છે.