ગુજરાતમાં આવી ગઈ ત્રીજી લહેર! આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક, છેલ્લા 24 કલાકમાં 42 પોઝિટિવ કેસો નોંધાયા
ગાંધીનગર :
ગુજરાતમાં દિવાળીના તહેવારો પૂરા થવાની સાથે જ કોરોના નાં નવા કેસમાં મોટો વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 નવા કેસ નોંધાયા છે. રાહતની વાત છે કે છેલ્લા 24 કલાકમાં એકપણ વ્યક્તિનું મૃત્યુ થયું નથી. તો છેલ્લા 24 કલાકમાં 36 લોકો સાજા થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 820 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધી 10,090 લોકોના મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 42 કેસ સામે આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. તો સુરતમાં 5, વલસાડમાં 5, વડોદરા શહેરમાં 4, મોરબી, રાજકોટમાં બે-બે, આણંદ, ભરૂચ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ અને તાપીમાં એક-એક કેસ સામે આવ્યો છે. તો આ દરમિયાન 36 લોકો સાજા પણ થયા છે.
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ વધારો થયો છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 215 છે. તો 8 દર્દી વેન્ટિલેટર છે. રાજ્યમાં કોરોનાની સારવાર બાદ અત્યાર સુધી 8 લાખ 16 હજાર 521 લોકો સાજા થયા છે.