ફ્રાન્સમાં કોરોનાની 5મી વેવ, આ લહેર અગાઉની દરેક લહેર કરતા વધુ ખતરનાક
ગાંધીનગર :
કોરોના મહામારી અત્યારે ખતમ નથી થઈ. કોઈ ને કોઈ દેશમાં તે ફરી ઉથલો મારી રહ્યો છે. કોરોના અત્યારે યુરોપમાં તેનો પ્રકોપ બતાવી રહ્યો છેફ્રાન્સમાં કોરોના વાઇરસની પાંચમી લહેરની શરૂઆતના અહેવાલો આવી રહ્યા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે કે દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆતની પુષ્ટિ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું કે આ પહેલા આપણા પાડોશી દેશોમાં પણ પાંચમી લહેર આવી ચુકી છે.
ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરાને ફ્રેન્ચ મીડિયા ઈન્સ્ટિટ્યૂટ TF1ને જણાવ્યું કે અમે દેશમાં કોરોના મહામારીની પાંચમી લહેરની શરૂઆત જેવી સ્થિતિ જોઈ રહ્યા છીએ. આ લહેર આપણા પાડોશી દેશોમાં આવી ચૂકી છે. પાડોશી દેશોના ડેટાને જોતા એવું લાગે છે કે તે અગાઉની લહેરો કરતાં વધુ ગંભીર હોઈ શકે છે.
ઓલિવિયર વેરાને જણાવ્યું કે અમે લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છીએ. ઓલિવિયરે જણાવ્યું કે વધુ વેક્સિનેશન અને સ્વચ્છતાના ઉપાયોની સાથે આપણે પાંચમી લહેરને નબળી કરી શકીએ છીએ. કદાચ આપણે તેને સંપૂર્ણ રીતે હરાવી શકીએ. ફ્રાન્સમાં કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 73.46 લાખથી વધુ કોરોના કેસ નોંધાયા છે. ફ્રાન્સમાં કોરોનાને કારણે 1.19 લાખથી વધુ લોકોના મોત થયા છે.