શેરબજારમાં ગુજરાતનાં રોકાણકારોની સંખ્યામા મોટો ઉછાળો, રોકાણકારોની સંખ્યા 1 કરોડને પાર પહોંચી
ભારતીય શેરબજારમાં છેલ્લા એક-દોઢ વર્ષથી જે તેજી આવી છે તેના કારણે ગુજરાતમાંથી રોકાણકારોની સંખ્યામાં પણ મોટો ઉછાળો જોવાયો છે. બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ (BSE)ના ઇન્વેસ્ટર્સના આંકડા મુજબ આજે મંગળવારે 30 નવેમ્બર 2021ના રોજ ગુજરાતના રોકાણકારોની સંખ્યા પહેલીવાર 1 કરોડને પાર થઈ છે.
ગુજરાત રાજ્યની વસ્તી 7 કરોડ હોવાનો અંદાજ છે. આ હિસાબે રાજ્યના લગભગ 15% લોકો શેરબજારમાં રોકાણ કરે છે. ગુજરાતના આંકડા બતાવે છે કે, એપ્રિલ 2021થી અત્યાર સુધીમાં દર મહિને રાજ્યમાંથી અંદાજે 2.50 લાખ નવા રોકાણકારો સ્ટોક માર્કેટમાં પ્રવેશી રહ્યા છે. ચાલું નાણાકીય વર્ષમાં આશરે 17 લાખથી વધુ નવા ઈન્વેસ્ટર્સ આવ્યા છે. આમાંના મોટાભાગે નાના રોકાણકારો છે અને યુવા ઈન્વેસ્ટર્સ છે.
સ્ટોક માર્કેટ એનાલિસ્ટ વૈશાખી વશિષ્ઠાએ જણાવ્યું કે, જોખમ ઉઠાવવું અને સામે પાણી એ તરવું એ ગુજરાતી લોકોનો શોખ છે. ભારતીય શેરબજારમાં ઉછાળે અફડાતફડી બાદ નફારૂપી વેચવાલી દ્વારા ગભરાટ નું વાતાવરણ જોવા મળ્યું હતું પરંતુ આ કડાકા – ભડાકા વચ્ચે પણ ગુજરાતી રોકાણકારોની સંખ્યામાં સતત વધી રહી છે. કોરોના સમયે બજારમાં જે લિક્વિડિટી અભાવ જોવા મળી રહ્યો હતો ધીરે ધીરે તે પણ દૂર થઈ રહ્યો છે અને હાલમાં વિદેશી રોકાણકારોની વેચવાલી સામે દરેક ઘટાડે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખી ખરીદી થઇ રહી છે.
રોકાણકારોની ખાસિયતો
તેમણે વઘુમાં જણાવ્યું કે ચોક્ક્સ ફન્ડામેન્ટલ સ્ટોક દરેક ઘટાડે ભેગાં કરી એવરેજ ભાવોથી પણ વધારે ઊંચા ભાવે નફો બુક કરવો.
બજારની રૂખની સામે પડી ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ કહી શકાય તેવાં સ્ટોકમાં ખરીદીનો માહોલ ઊભો કરે છે.
બજારમાં ઘટાડા સમયે પણ માર્જિન ભરી એવરેજ ટ્રેડ કરી નુકશાનીને બદલે નફો કરવામાં માહેર છે.