ગાંધીનગરગુજરાત

ગુજરાત કોંગ્રેસના પ્રમુખપદે જગદીશ ઠાકોર અને વિપક્ષના નેતા પદે સુખરામ રાઠવા ની જાહેરાત

ગાંધીનગર :

ગુજરાતમાં છેલ્લા છ મહિના કરતાં વધુ સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિરોધપક્ષના નેતાએ રાજીનામાં આપ્યા બાદ નવી નિમણુંક અંગેના વિવાદનો અંત આવી ગયો છે. જેમા ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાન અને ઉત્તર ગુજરાતના ખમતીધર નેતા જગદીશ ઠાકોરને કમાન સોંપવામાં આવી છે. જ્યારે વિરોધ પક્ષના નેતા પદે આદિવાસી નેતા સુખરામ રાઠવાનું નામ ફાઈલન થઈ ગયું છે.

નવા પ્રમુખના મામલે રાહુલ ગાંધી સુધીની બેઠકો ચાલી હતી

ગુજરાત કોંગ્રેસમાં પ્રમુખ પદ અને વિરોધ પક્ષના નેતા માટે લાંબા સમયથી ખેચતાણ ચાલી રહી હતી. જેમા અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી અને હાર્દિક પટેલ પ્રમુખ બનવા માટે લોબિંગ કરી રહ્યા હતા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખના મામલે પ્રભારી રઘુ શર્માથી માંડીને રાહુલ ગાંધી સુધી બેઠકો ચાલી હતી. પરંતુ અંતે જૂથવાદને બાજુએ મુકી કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રમુખ બનાવવાની હિમચાલ કરી વિધાનસભાની આગામી ચૂંટણીઓ માટેના નવા જ સમીકરણૉ ઉભા કર્યા છે.

કોંગ્રેસના નવા પ્રભારીએ નવા નેતાઓ માટે બેઠકો કરી હતી

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ રાજસ્થાનના આરોગ્યમંત્રી રઘુ શર્માને નવા પ્રભારી બનાવાયા હતા. તેમણે ગાંધીનગરમાં કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠક યોજી હતી. આ બેઠકમાં કયા નેતાને પ્રદેશ પ્રમખ અને વિપક્ષના નેતા બનાવવા તેમની સેન્સ લીધી હતી. બાદમાં તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ કેટલાક નેતાઓનાં નામ રજુ કર્યાં હતાં. તેમણે રાહુલ ગાંધીના નિવાસસ્થાને ગુજરાતના 25 નેતા સાથે રાહુલ ગાંધી સાથે નવા નેતાઓ અંગે ચર્ચાઓ કરી હતી.

જૂથવાદ છોડીને કામે લાગી જવા પ્રભારીનો આદેશ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતમાં ઠેર ઠેર સભાઓ યોજીને કોંગ્રેસના કાર્યકરોને કહ્યું હતું કે જૂથવાદ છોડીને કામે લાગી જાઓ, રાજ્યમાં છેલ્લાં 25 વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી. કોંગ્રેસને સત્તામાં લાવવા માટે તમામ કાર્યકરો જૂથવાદને ભૂલીને પક્ષને અને સંગઠનને મજબૂત કરવાનું કામ કરે, પરંતુ કોંગ્રેસમાં સતત ઊકળી રહેલા જૂથવાદથી તેઓ પણ હવે નવા નેતાની પસંદગીને લઈને ભોંઠા પડ્યા છે.

રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં

દિલ્હીમાં રાહુલ ગાંધીના નિવાસસ્થાને કોંગ્રેસના નેતાઓની વન ટુ વન બેઠકમાં મોટા ભાગના નેતાઓએ હાર્દિક પટેલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવશે તો ફરી એકવાર ગુજરાત કોંગ્રેસમાં મોટું ભંગાણ થવાની ચીમકી ઉચ્ચારી હતી. એટલું જ નહીં, કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો પણ કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી હતી. પ્રદેશના સિનિયર નેતાઓની ચીમકીને કારણે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ હાઈકમાન્ડ પણ અવઢવમાં પડી ગયા હતા. રાહુલ ગાંધીના નિવાસસ્થાને સતત ચાર કલાક સુધી ચાલેલી બેઠકને અંતે રાહુલ ગાંધીએ 26 ઓક્ટોબર એટલે કે દિવાળી પહેલાં ગુજરાત કોંગ્રેસનું નવું માળખું બનાવવાની ખાતરી આપી હતી, પણ એ આજ સુધી બન્યું ન હતુ જેનો આજે અંત આવ્યો છે. જો કે સત્તાવાર જાહેરાત કરવામાં આવેલ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x