સાબરમતી નદી પર 225 કરોડના ખર્ચે બનશે વધુ એક બ્રિજ, એરપોર્ટ પહોંચવું રહેશે સરળ
અમદાવાદવાસીઓને ફ્લાઇટ પકડવા માટે અત્યાર સુધી ભારે ટ્રાફિક (Traffic)નો સામનો કરવો પડતો હતો. જો કે અમદાવાદીઓની આ સમસ્યા હવે હલ થવા જઇ રહી છે. અમદાવાદને વધુ એક બ્રિજ(Bridge) મળવા જઇ રહ્યો છે. આ બ્રિજ બન્યા બાદ અમદાવાદીઓને એરપોર્ટ(Airport) સુધી જવુ સરળ બની જશે.
એરપોર્ટ પહોંચવાનું સરળ રહેશે
સાબરમતી નદી પર વધુ એક બ્રિજ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના સાબરમતીમાં રહેતા લોકો માટે આ ખૂબ સારા સમાચાર છે. આ બ્રિજ સાબરમતી પાવર હાઉસથી હનુમાન કેમ્પ સુધી બનશે. જેના પગલે એરપોર્ટ પહોંચવું સરળ થઈ જશે. હાલ સાબરમતીના રહીશોને એરપોર્ટ જવું હોય તો RTO અને સુભાસ બ્રિજ તેમજ ઈન્દિરા બ્રિજ થઈને જવું પડે છે. બ્રિજ બની ગયા પછી આ સમસ્યા નહીં રહે.
225 કરોડના ખર્ચે બનશે બ્રિજ
રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરીમાં આ બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજની ડિઝાઈન રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.ડિઝાઈન પાસ થઈ ગયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 225 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવશે.
મહત્વનું છે કે હાલ સાબરમતી નદી પર 9 બ્રિજ છે અને એક ફૂટઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે વધુ એક બ્રિજ બનશે તો લોકોને સરળતા રહેશે.