ગુજરાત સરકારની ગેરરીતિ: બાંધકામ મજૂર કલ્યાણ નિધિની રકમ બજેટમાં નાખવામાં આવે છે!
ગાંધીનગર :
ગુજરાતમાં ૧૯૯૬ના કાયદા અનુસાર બાંધકામ મજૂરો માટેના કલ્યાણ બોર્ડમાં આશરે ₹ ૩૫૦૦ કરોડ જમા થયા છે અને છતાં રાજ્યના ૨૦ લાખ મજૂરોના કલ્યાણ માટે આશરે ₹ ૫૦૦ કરોડ માંડ ખર્ચાયા છે.
અમદાવાદમાં બાંધકામ મજૂર સંઘ સંકલન સમિતિના ઉપક્રમે આજે યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રો. હેમંતકુમાર શાહે કહ્યું હતું કે તા.૩૦.૦૯.૨૦૧૮ સુધીમાં આ બોર્ડમાં ₹ ૨૦૯૮ કરોડ જમા હતા અને તેમાંથી માત્ર ₹ ૧૯૭ કરોડ જ વપરાયા હતા. આ બોર્ડ દ્વારા બાંધકામ મજૂરોના કલ્યાણ માટે એક ડઝન જેટલી યોજનાઓ ઘડવામાં આવી છે પણ તે મોટે ભાગે કાગળ ઉપર જ રહી છે અને સાવ નગણ્ય સંખ્યામાં કામદારોને તેનો લાભ મળ્યો છે એમ પ્રો. શાહે ઉમેર્યું હતું.
પ્રો. હેમંતકુમાર શાહે વધુમાં કહ્યું હતું કે બાંધકામ કંપનીઓ પાસેથી સેસ તરીકે જે રકમ ભેગી થાય છે તે સરકાર તેના ગુજરાત એકત્રિત નિધિમાં નાખી દે છે અને એ રીતે એક મોટી ગેરરીતિ આચરે છે. ખરેખર તો, તેને અને સરકારના બજેટને કશી લેવાદેવા છે જ નહિ. દર વર્ષે જે રકમ ભેગી થાય તે બીજા વર્ષે કામદારોના કલ્યાણ માટે વાપરી નાખવી જોઈએ.
તેમણે એમ પણ કહ્યું હતું કે જેઓ છૂટક બાંધકામ ખર્ચ ₹ ૧૦ લાખથી વધુ કરે છે તેઓ તો એક ટકા સેસ ભરતા જ નથી. જો તેઓ એ સેસ ભરતા હોય તો બોર્ડમાં આશરે ₹ ૧૫,૦૦૦ કરોડ ભેગા થયા હોત. સરકારે તેને માટે સતત સર્વે કરતા રહેવું જોઈએ અને સેસ ઉઘરાવવા જોઈએ.
આ બોર્ડમાં ગુજરાતમાં ૬.૫૫ લાખ મજૂરો જ નોંધાયા હતા. પણ તેમાં દર વર્ષે નોંધણી ફરી તાજી કરવાની વ્યવસ્થા હોવાથી કામદારોએ નોંધણી કરાવવાનું યાદ રાખી શકતા નથી. પરિણામે હાલ કદાચ એકાદ લાખ મજૂરો જ નોંધાયેલા છે એમ બાંધકામ મજૂર સંગઠનના મંત્રી વિપુલ પંડ્યાએ જણાવ્યું હતું.
વિપુલ પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે ભારતના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કામદારોના કલ્યાણ માટે જોગવાઇ કરવામાં આવી છે પણ બોર્ડ તેને વિશે કશી ગંભીરતાથી કામ કરતું નથી.
કોરોના કાળ દરમ્યાન બાંધકામ પ્રવૃત્તિ ખાસ્સી બંધ થવાથી બાંધકામ મજૂરો બેકાર થયા હતા પરંતુ રાજ્ય સરકારે કોઈ સહાય તેમને કરી નથી.
બોર્ડે કોરોના કવચને નામે આશરે ₹ ૪૦ કરોડ ખર્ચી નાખ્યા છે અને જેમાં કામદારોને સીધા લાભ મળે તેવી યોજનાઓમાં નહિ પણ ૬૪ ટકા જેટલી રકમ તો જુદી જુદી એજન્સીઓ માટે ખર્ચ કર્યો છે એમ વિપુલ પંડ્યાએ કહ્યું હતું.
આજીવિકા બ્યુરોના મહેશ ગજેરાએ કહ્યું હતું કે બોર્ડમાં નોંધણી કરવાનું જ ભારે કઠિન છે. તેમણે કહ્યું કે આધાર કાર્ડને આધારે નોંધણી થઈ જવી જોઈએ અને બીજા બધા પુરાવા માગવા જ ન જોઈએ.
અમદાવાદમાં આશરે ૧.૫ લાખ બાંધકામ મજૂરો હશે પણ તેમાંથી ૧૧૮૦ મજૂરો જ અત્યારે ઇ નિર્માણમાં નોંધાયા છે. સરકારે નોંધણી પામેલા કામદારોના લાભ પણ બંધ કરી દીધા છે અને ઇ નિર્માણ કાર્ડ જ જરૂરી છે એમ સરકાર કહે છે. કામદારને લાભ નહિ આપવાની આ નવી ચાલ છે.
સેન્ટર ફોર લેબર રિસર્ચ એન્ડ એક્શન નાં મીના જાદવે કહ્યું હતું કે જેઓ ઘર અને મકાનો બાંધે છે તેઓ જ રસ્તા, ફૂટપાથ અને ઝૂંપડાં માં રહે છે અને સરકાર તેમના વિશે કશું જ ગંભીરતા પૂર્વક વિચારતી નથી.