કડી-કલોલ લક્ઝરી બસ એસોસિએશનએ અડાલજ ટોલનાકા પાસે નજીકમાં ટોલ માફીની માગણી સાથે ચક્કાજામ કર્યો
કલોલ:
અડાલજ પાસે આવેલા અમદાવાદ – મહેસાણા ટોલ નાકા પાસે આજરોજ બપોરના સુમારે બસોને ટોલ ફ્રી કરવાની માગણી સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો એકાએક ચક્કાજામ કરવામાં આવતા હાઇવે પર વાહનોની કતારો લાગી ગઇ હતી અને લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા બનાવના સ્થળે દોડી આવેલી અડાલજ પોલીસે મામલો થાળે પાડયો હતો.
આ બાબતે મળતી વિગતો અનુસાર અડાલજ પાસે આવેલા અમદાવાદ મહેસાણા હાઈવે ટોલ રોડ ઉપર આજરોજ કલોલ કડી લક્ઝરી બસ એસોસિયેશનના સંચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો બસ સંચાલકોના જણાવ્યા પ્રમાણે આ ટોલ રોડ ઉપર છેલ્લા ૨૦ વર્ષથી બન્યો છે ત્યારથી અહીં ખાલી લક્ઝરી બસોનો ટોલ લેવામાં આવતો નથી અને તાજેતરમાં ટોલ રોડ ઓથોરિટી દ્વારા ખાલી ૨૫૦ રૃપિયા ટોલ લેવામાં આવી રહ્યો છે જેના કારણે લક્ઝરી બસ સંચાલકો રોષે ભરાયા હતા અને ટોલનાકા પાસે જઈને તેની કચેરીનો ઘેરાવ કર્યો હતો અને પોતાની બસો આડી મુકી દઈને ચક્કાજામ કરી દીધો હતો ચક્કાજામ કરી દેવામાં આવતા કલાકો સુધી વાહનો આ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા અને રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી બનાવની જાણ અડાલજ પોલીસને થતા અડાલજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મામલો થાળે પાડવાના પ્રયત્નોે કર્યા હતા ત્યારે એક કલાક ઉપરાંતના સમયગાળા બાદ મામલો થાળે પડતાં ટ્રાફિક ખોલવામાં આવ્યો હતો.
બસ સંચાલકોએ ટોલનાકાની ઓફિસનો ઘેરાવ કર્યો હતો અને ટોલ રોડ નાબૂદ કરવા સૂત્રોચ્ચાર કરીને ટોલનાકા ઉપર પોતાની બસો મૂકીને ચક્કાજામ કરી દીધો હતો આ ચક્કાજામ ૪૦ મિનિટ સુધી કરવામાં આવ્યો હતો તેમ છતાં ટોલ રોડની ઓફીસમાંથી કોઈ અધિકારી બસ સંચાલકોને મળવા માટે બહાર આવ્યા ન હતા અને ઓફિસમાં બેઠા બેઠા તમાશો જોઈ રહ્યા હતા ત્યારે આ ચક્કાજામના કારણે કોઈ જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય કે કોઈ એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હોત તો તેના માટે જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થવા પામ્યા છે.