ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 40%ની સહાય મળશે : કૃષિ મંત્રી રાઘવજી પટેલ
ગુજરાતનાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી. સાથે કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદીમાં 10 % સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં હવે વધારો કરી ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદી પર હવેથી 40 % સહાય આપવામાં આવશે.એટલે ઓછામાં ઓછી રૂા.6 હજાર જેટલી સહાય મળશે. આ ઉપરાંત સ્માર્ટફોન ખરીદી માટેની સહાય ખેડૂતોને સરળતાથી મળે તે માટે સામાન્ય ડોક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના અપાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હાલ જો ખેડૂત 10 હજારની કિંમતનો મોબાઈલ લેવા જાય તો તેને માત્ર રૂ. 1000ની સહાય મળે છે. જયારે 20,000થી વધુની રકમનો મોબાઈલ ખરીદે, ત્યારે તેમને વધુમાં વધુ રૂ. 1500 જેટલી સહાય મળે છે. સ્માર્ટ મોબાઈલની ખરીદી પર ખેડૂતને જે સહાય આપવામાં આવે છે, તેના કરતા વધુ ડિસ્કાઉન્ટ તો મોબાઈલ – ફોન વિક્રેતા આપે છે. ખેડૂતને આ સહાય મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કર્યાની પ્રિન્ટ, મંજૂરી હુકમ, 7/12/8નો દાખલો, સ્માર્ટ મોબાઈલનું જીએસટીવાળું બિલ જેવા થોકડોબંધ દસ્તાવેજો આપવા પડે છે અને 2 મહિને સહાયની રકમ ખેડૂતોના બેંકના એકાઉન્ટમાં જમા થાય છે. રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્યના માત્ર 290 જેટલા જ ખેડૂતોએ મોબાઈલ માટે અરજી કરી છે.
આજે રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ- ગોકુલ ડેરી સંચાલિત વિછીયા કુલિંગ યુનિટના નવીનીકરણ અને વિસ્તૃતિકરણની સ્થાપના અંતર્ગત મંજુર થયેલ રૂ.3.50 કરોડની ગ્રાન્ટના ચેકની અર્પણવિધિ અને ગાભણ પશુ ખાણ દાણ યોજના અંતર્ગત દાણ વિતરણ કાર્યક્રમ રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષસ્થાને અટલ બિહારી બાજપેયી ઓડિટોરિયમમાં યોજાયો હતો.