હરિધામ સોખડા મંદિરમાં અનુજને માર મારનારા 5 સંતો અને 2 સેવકોની ધરપકડ કરી અપાઈ VIP ટ્રીટમેન્ટ
સંતો મંદિરમાં શોભે પરંતુ હરીધામ સોખડાના સંતોનો આંતરિક વિવાદ એટલી હદે વકર્યો કે હવે સંતોને પોલીસ સ્ટેશનના પગથીયા ચઢવાનો વારો આવ્યો છે. જે સંતોને ભગવાનની જેમ તેમના અનુયાયીઓ પુજે છે, આજે આ દ્રશ્યો જોઇ તેમની આસ્થાને ઠેંસ પહોંચી હશે, હરિપ્રસાદ સ્વામી દેવલોક પામ્યા તેજ દિવસથી મંદિરની ગાદી કોને સોંપાશે તેને લઇને ભારે ચર્ચાઓ જાગી હતી. જોકે એક જ મંદિરમાં બે જુથો હોવાથી ગાદીનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. જે વિવાદ હવે ચરમ સીમાએ પહોંચ્યો છે. પોલીસ ફરિયાદ બાદ આજે સંતો અને સેવકો ખાનગી કારમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. પોલીસ દ્વારા સંતોને વીઆઇપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેને પર સૌ કોઇની નજર રહેલી છે.
હરિધામ સોખડા મંદિરમાં સેવક અનુજ ચૌહાણને સંતો દ્વારા એકઠા થઇને માર મારવાનો વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો સપાટી પર આવ્યો હતો. ત્યાર બાદ અનુજ ચૌહાણે સંતો અને સેવકો વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જો કે, ત્યાર બાદથી તે પોલીસની પહોંચથી દુર થયો હતો. અને તેણે તથા તેના પિતાએ સોશિયલ મીડિયામાં વિડીયો મુકીને પોતાની વાત લોકો સુધી પહોંચાડી હતી. મારામારીના વિવાદને બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના નિધન બાદ મંદિરમાં શરૂ થયેલી સત્તા મેળવવાની સોગઠાબાજીના ભાગ રૂપે વર્ણવવામાં આવી રહ્યો છે. ગતરોજ અનુજ ચૌહાણ પોલીસ સમક્ષ હાજર રહ્યો હતો. અને તેનો જવાબ લખાવ્યો હતો.અનુજ ચૌહાણે જવાબ લખાવ્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રણવભાઇ આસોજ, મનહરભાઇ સોખડાવાળા, પ્રભુપ્રીય સ્વામી, હરી સ્મરણ સ્વામી, હરી સ્મરણ સ્વામી, ભક્તિ વલ્લભ સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, વિલર સ્વામી તમામ રહે સોખડા મંદિર સામે ગુનો નોંધાયો હતો. અને મોડી રાત્રે પોલીસ અનુજને લઇને હરિધામ સોખડા મંદિર ખાતે પહોંચી હતી. આજરોજ 5 સંતો અને 2 સેવકો પોતાની ખાનગી કારમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સામાન્ય રીતે ફરિયાદ બાદ પોલીસની ગાડીમાં લાવવામાં આવતા હોય છે. ચકચારી મામલે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.