આજથી સમગ્ર રાજ્યમાં રાત્રી કર્ફ્યૂ, હોટલ-થિયેટર, શાળાઓ બંધ થાય તેવી શક્યતા
ગાંધીનગર :
ગુજરાતમાં એક જ દિવસમાં 25 હજારની આસપાસ કેસ આવી રહ્યા છે. રોજિંદી રીતે કેસમાં 5000 ની આસપાસનો ઉછાળો જોવા મળી રહ્યો છે. આ ઉછાળો કાબુમાં નહી આવી રહ્યો હોવાના કારણે સરકાર દ્વારા હવે ગાઇડલાઇન વધારે કડક બનાવવામાં આવે તેવી શક્યતા છે. સરકાર દ્વારા વધારે કડક નિયંત્રણો લાવીને કાબુ મેળવવા માટે પ્રયાસ કરાઇ રહ્યો છે. SOP ની 22 મી તારીખે મુદ્દત પુર્ણ થઇ રહી છે. જેના કારણે આજે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને રાજ્ય સરકારની કોર કમિટીની બેઠક યોજાઇ હતી.
આ બેઠક બાદ રાજ્યમાં વધારે કડક નિયંત્રણો આવે તેવી શક્યતા છે. હાલ તો નાગરિકોની નજર નાઇટ કર્ફ્યૂ પર છે. નાઇટ કર્ફ્યૂમાં વધારો થઇ શકે છે ઉપરાંત લગ્નમાં મહેમાનોની છુટ અંગે પણ વિચારણા કરવામાં આવી રહી છે. નાઇટ કર્ફ્યૂનો સમય રાત્રે 10 વાગ્યે છે તે વધારીને રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી વધારવામાં આવે તેવી શક્યતા સેવવામાં આવી રહી હતી. આ ઉપરાંત મોલ મલ્ટિપ્લેક્સ, કોમર્શિયલ કોમ્પલેક્સ, હોટલ રેસ્ટોરન્ટ, પાનના ગલ્લા અને ખાનગી ઓફીસના કર્મચારીઓની સંખ્યા તમામ પર નિયંત્રણો લાગે તેવી શક્યતા છે.
ખાનગી અને સરકારી ઓફીસમાં 50 ટકા સ્ટાફ સાથે જ કામગીરી કરવાનો નિયમ પણ લાગુ કરવામાં આવે તેવી શક્યતા છે. આ ઉપરાંત વધારે કેસ આવી રહ્યા છે તેવા વિસ્તારોની પણ ઓળખ કરીને વધારે શહેરો અને જિલ્લાઓમાં વધારે નિયંત્રણો લાદવામાં આવે તેવી શક્યતા છે. રાત્રી કર્ફ્યૂ પણ આ 10 સ્થળો ઉપરાંતના સ્થળો પર લાગુ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ કરવા માટેના આદેશ આપવામાં આવે તેવી શક્યતા છે.