આ રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં એક ફેબ્રુઆરીથી ખુલશે સ્કૂલ-કોલેજો, નાઇટ કર્ફ્યૂ પણ હટાવવાનો સરકારે લીધો નિર્ણય
તમિલનાડુમાં કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ રાજ્ય સરકારે ધોરણ એકથી 12 સુધી સ્કૂલો અને કોલેજને 1 ફેબ્રુઆરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારથી રાજ્યમાં નાઇટ કર્ફ્યૂ પણ હટાવવામાં આવશે અને વિકેન્ડ લોકડાઉન પણ ખત્મ થઇ જશે. મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ગુરુવારે સ્વાસ્થ્ય નિષ્ણાંતો અને અધિકારીઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. ત્યારબાદ સરકારે પ્રતિબંધોમાં છૂટછાટ આપવાની કહી હતી. પરંતુ કેટલાક મામલામાં પ્રતિબંધો હજુ પણ ચાલુ રહેશે.
તમિલનાડુ સરકારના મતે રાજ્યમાં નર્સરી અને પ્લે સ્કૂલો હજુ ખોલવામાં નહી આવે. જ્યારે અન્ય સ્કૂલ અને કોલેજ ગાઇડલાઇન અનુસાર ખોલી શકાશે. તે સિવાય સાંસ્કૃતિક સમારોહ અને રાજકીય રેલીઓ પર પ્રતિબંધ રહેશે. સ્થાનિક ચૂંટણીઓ દરમિયાન લોકોને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું પડશે.
સરકારના મતે લગ્ન સમારોહમાં 100 લોકો સામેલ થઇ શકશે જ્યારે અંતિમ સંસ્કારમાં ફક્ત 50 લોકોને સામેલ થવાની મંજૂરી મળશે. તે સિવાય રાજ્યની હોટલ અને બેકરીને 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની છૂટ રહેશે. થિયેટર્સ, મલ્ટીપ્લેક્સ, જિમ, ક્લબ, બ્યૂટી પાર્લર અને સલૂન, સંગીત કાર્યક્રમ, સંમેલન, ઇનડોર સ્ટેડિયમમાં 50 ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી રહેશે.