ગાંધીનગર

ગાંધીનગરની અમૂલ ડેરીના આસી.મેનેજરે ૪ કરોડની ઉચાપત કરતા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ

ગાંધીનગરના ભાટમાં આવેલી અમૂલ ડેરીના આસિસ્ટન્ટ મેનેજરે પત્નીના નામે કંપની ઉભી કરીને ડેરીના ટ્રાન્સપોર્ટનાં સાચા બીલો જેવા જ ખોટા બીલો બનાવીને 12 વર્ષમાં 4 કરોડ 2 લાખ 48 હજારની ઉચાપત કરી હતી. જેને લઈ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે.

ગાંધીનગરના ભાટમાં આવેલી અમૂલ ડેરીના જનરલ મેનેજર અનિલ બયાનીએ નોંધાવેલી ફરિયાદ મુજબ ડેરીમાં ઉજ્જવલ વ્યાસ એકાઉન્ટ વિભાગના આસીસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા. 10 મી ફેબ્રુઆરીના રોજ ફ્રેશ પ્રોડક્ટ ઓફિસ એકાઉન્ટ વિભાગના મેનેજર રમેશ જૈન ટીડીએસ સર્ટિફિકેટ ચેક કરતાં હતાં. ત્યારે જાણવા મળ્યું કે વેન્ડર મીતી ઉજ્જવલ વ્યાસના નામે કરી વર્ષ 2010થી આજદિન સુધી ડેરીમાં એમ યુ કાર્ટિંગ ટ્રાન્સપોર્ટ તરીકે દર્શાવેલ છે. જેનાં બીલો ચેક કરતાં ઉજ્જવલ વ્યાસે ડેરીના અન્ય સાચા ટ્રાન્સપોર્ટ દ્વારા કરવામાં આવેલી ટ્રીપનાં જે બીલો કે જેમાં દર્શાવેલ તારીખ, વાહન નંબર અને ટ્રીપનું ભાડું વગેરે વિગતો વાળા બીજા ડુપ્લીકેટ બિલ એમ યુ કાર્ટિંગના નામે બનાવ્યા હતા. આ બીલો સર્ટિફાઈડ કરવાની સત્તા ઉજ્જવલ પાસે હોવાથી તેણે પત્નીના નામે તમામ બીલો પાસ પણ કરી દીધા હતા.

ડેરીના નિયમ મુજબ કોઈપણ કર્મચારીનાં સગા સંબંધીઓ ડેરી સાથે વેપાર કરી શકતા નથી. તેમ છતાં ઉજ્જવલ વ્યાસે તેની પત્ની મીતિ વ્યાસને વેન્ડર બનાવી દીધી હતી અને ઓરેકલ અને એસ એ પી સિસ્ટમમાં તે ઓથોરાઇઝ્ડ હોવાથી એમ યુ કાર્ટિંગ નામની કંપની ઉભી કરી તા. 27/7/2010 થી 10/2/2022 દરમિયાન ખોટી રીતે ખોટા બીલો બનાવીને ડેરીમાંથી 4 કરોડ 2 લાખ 48 હજાર જેવી માતબર રકમ પત્નીનાં ખાતામાં ટ્રાન્સફર કરાવી ઉચાપત કરી હતી.

આ બાબતે ઉજ્જવલની પૂછતાંછ કરતાં તેણે ઉચાપત કર્યાનું સ્વીકાર્યું હતું અને ડેરીને પૈસા પરત કરવાની ખાત્રી આપી પાંચ લાખનો ચેક અને બીજા બે કોરા ચેક આપ્યા હતા. જેમાંથી પાંચ લાખનો ચેક ક્લિયર થયો હતો. બાદમાં તેણે ફોન ઉપાડવાનું બંધ કરી દેતા ડેરીના કર્મચારીઓએ તેના ઘરે અમદાવાદ બોપલમાં ઓરચી એલીગન્સ તપાસ કરી હતી. પરંતુ તે મળી આવ્યો ન હતો. જેનાં પગલે જનરલ મેનેજર દ્વારા અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x