બ્રાઝિલમાં પૂર અને ભૂસ્ખલનને કારણે તબાહી મચી ગઈ, 117 લોકોના મોત
બ્રાઝિલ (Brazil)ના પર્વતીય શહેર પેટ્રોપોલિસમાં ગુરુવારે પૂર અને ભૂસ્ખલન (Brazil Flooding Landslide) માં મૃત્યુઆંક વધીને 117 થઈ ગયો છે અને 116 લોકો હજુ પણ લાપતા છે. રિયો ડી જાનેરો રાજ્ય સરકારે મૃતકોની સંખ્યા વધી હોવાની પુષ્ટિ કરી છે. ઘણા લોકો માટીમાં દટાયા હોવાની આશંકા છે. ગુરુવારે પૂર અને કાદવ(Mudslide)ને કારણે કાર અને મકાનો પાણીમાં તણાયા હતા. એક વીડિયોમાં બે બસ વહેતી નદીમાં ડૂબતી જોવા મળી રહી છે. શહેરમાં વધુ ભૂસ્ખલનની શક્યતા છે.
અધિકારીઓએ કહ્યું કે, જોખમી વિસ્તારોમાં રહેતા લોકોએ બહાર જવું જોઈએ. સ્થાનિક રહેવાસી રોઝલિન વર્જીનિયાએ કહ્યું કે તેનો ભાઈ માંડ માંડ બચ્યો અને તે તેને એક ચમત્કાર માને છે, રિયો પોલીસે ગુરુવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે લગભગ 200 એજન્ટો જીવંત, મૃત અને ગુમ થયેલા લોકોની યાદી બનાવવા માટે ચેકપોઇન્ટ્સ, શરણાર્થી શિબિરો અને શહેરના શબઘરની મુલાકાત લઈ રહ્યા હતા.
રાહત અને બચાવ કાર્ય ચાલુ છે
શહેરના મેયર રુબેન્સ બોમટેમ્પોએ ગુમ થયેલા લોકોની સંખ્યા વિશે કોઈ માહિતી આપી નથી. તેમણે કહ્યું કે રાહત અને બચાવ કાર્ય હજુ ચાલુ છે. બુધવારે પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ‘અમે હજુ પણ આ દુર્ઘટના વિશે સંપૂર્ણ રીતે વાકેફ નથી. તે ખૂબ જ મુશ્કેલ દિવસ હતો. મંગળવારે આ ઘટનાના 24 કલાકથી વધુ સમય પછી પણ પરિવારો હજી પણ કાટમાળમાં તેમના લોકોને શોધી રહ્યા છે. રાજધાનીના પબ્લિક પ્રોસિક્યુશન ઓફિસે બુધવારે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે તેણે 35 ગુમ થયેલા લોકોના નામની યાદી તૈયાર કરી છે.
સેંકડો લોકો બેઘર થયા
લોકોએ વિનાશનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે, જેમાં ઘરો કાદવમાં અને કાર કાટમાળથી વહેતી જોઈ શકાય છે. રિયો ડી જાનેરોના ગવર્નર ક્લાઉડિયો કાસ્ટ્રોએ જણાવ્યું હતું કે 400 લોકો બેઘર થઈ ગયા હતા અને 24 લોકોને કાટમાળમાંથી જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારોએ આ દુઃખની ઘડીમાં લોકો સાથે ઉભા રહેવાની વાત કરી છે. હાલ તેઓ રશિયાના પ્રવાસે છે.