ગાંધીનગર : પાલજમાં વધુ એક ૪૭.૯૩ હેક્ટરની ટીપી સ્કીમ ૩૨ બનશે
ગાંધીનગર :
ગુડાનો ઘણો વિસ્તાર કોર્પોરેશનમાં ભળ્યા બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ટૂંકા સમયગાળામાં જ ગુડા દ્વારા પાલજના બાકી રહી ગયેલા વિસ્તારને સમાવિષ્ટ કરતી મુસદ્દારૂપ નગર રચના યોજના નંબર-૩૨ તૈયાર કરવાની કામગીરી હાથ ધરી છે. આમ જોવા જઈએ તો ગુડા દ્વારા આ ત્રીજી નવી મુસદ્દારૂપ નગર રચના યોજના તૈયાર કરવામાં આવી રહી છે. અગાઉ પાલજ-બાસણ-લવારપુર શાહપુર વિસ્તારને સમાવિષ્ટ ટીપી સ્કીમ-૨૫ બનાવવામાં આવી હતી. હવે પાલજના ગામતળથી ત્રણ દિશાઓ ઉત્તર, પુર્વ અને પશ્ચિમ તરફના વિસ્તારને આવરી લેતી આ ટીપી -૩૨ બનાવવાનું આયોજન છે. ગુડા અને ગાંધીનગર કોર્પોરેશન બંને દ્વારા અત્યારે નવી ટીપી સ્કીમો બનાવવાની દિશા પર કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલજની આ નવી ટીપી સ્કીમ-૩૨નું ક્ષેત્રફળ અંદાજે ૪૭.૯૩ હેક્ટર રહેશે. સત્તા મંડળ દ્વારા આ નગર રચના યોજનાનો મુસદ્દો સરકારમાં મંજુરી માટે મોકલી આપ્યો છે. આ ટીપી સ્કીમમાં પાલજ ગામનો બાકી રહી જતો વિસ્તાર આવરી લેવાયો છે. તે જોતાં હવે પાલજનો એકપણ હિસ્સો અવિકસિત નહી રહે તેમ કહી શકાય. આ નગર રચના યોજનાની જે હદ નક્કી કરવામાં આવી છે તેમાં પાલજનો કેટલોક એગ્રીકલ્ચર ઝોનની જમીનોનો પણ સમાવેશ થાય છે. પાલજ નવું અને જુનું એમ બે વિસ્તારમાં વહેંચાયેલું છે. જે જુનું પાલજ છે તે મહાપાલિકા વિસ્તારમાં પહેલેથી જ સમાવિષ્ટ હતું. ત્યારબાદ નવા સીમાંકનમાં સમગ્ર પાલજ ગામને આવરી લેવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ કોંગ્રેસની આ માંગને ભાજપે પાછલા બારણે ફગાવી દીધી હતી. પરંતુ હવે તંત્રએ મુસદ્દારૂપ નગર રચના યોજના નં ૩૨ બનાવવાનો નિર્ણય કરતાં હવે બાકીના વિસ્તારનો પણ વિકાસ શક્ય બનશે એટલું જ નહિ બે ટીપી સ્કીમ વચ્ચે એપ્રોચ મળી શકશે અને સવિસ્તાર વિકાસ પણ થશે.