ગુજરાતરાષ્ટ્રીયવેપાર

ગુજરાતની સહકારી સંસ્થાઓનો દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો : અમિત શાહ

ગુજરાતની સહકારી વ્યવસ્થા દેશ માટે રોલમોડેલ સમાન છે, જેમાં સહકારી ખાંડ મિલો દેશભરમાં સર્વશ્રેષ્ઠ-ચડિયાતી છે. દેશના ગરીબો, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને સમાન વિકાસની તક આપવામાં સહકારી ક્ષેત્રનું અમૂલ્ય યોગદાન છે. વડાપ્રધાન ના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પૂર્ણ કરવામાં અને ખેડૂતોની આવક બમણી કરવામાં સહકારી ક્ષેત્ર અગ્રેસર બનશે. એમ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તાપી જિલ્લાના બાજીપુરા ખાતે ‘સહકારથી સમૃદ્ધિ’ સંમેલનને સંબોધતા જણાવ્યું હતું.  દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના “આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.-સુમુલ ડેરી દ્વારા બાજીપુરા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ‘સહકારથી સમૃદ્ધિ’ વિરાટ સંમેલન યોજાયું હતું.

આ  સંમેલન સ્થળેથી સહકાર મંત્રીના હસ્તે ‘સહી પોષણ, દેશ રોશન’ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર અને ગુજરાત કો.ઓપ.મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્કી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્દઘાટન તેમજ નવી પારડીમાં બનનારા અત્યાધુનિક ‘બટર કોલ્ડ સ્ટોરેજ’ તથા ‘પાવડર વેર હાઉસ’નું ભૂમિપૂજન, સુમુલ દાણ ફેક્ટરી ના રો-મટિરિયલ વેસ્ટને ઓર્ગેનિક ખાતરમાં રૂપાંતરિત કરી રાજ્ય સરકારના ઓર્ગેનિક ફાર્મિંગના કોન્સેપ્ટને વેગ આપવા ‘સુમુલ બાયો કમ્પોસ્ટ ઓર્ગેનિક ખાતર ઉત્પાદન એકમ’ તેમજ પશુ વંધ્યત્વ નિવારણ અને પશુઓની દૂધક્ષમતા વધારા માટે જરૂરી પશુઆહાર સપ્લીમેન્ટ ‘સુમુલ ફર્ટીકેર ગોલ્ડ બોલસ’ અને ‘સુમુલ ન્યુટ્રીમિલ્ક ફીડ-સપ્લીમેન્ટસ’ ઉત્પાદન એકમોનું ઉદ્દઘાટન ગૃહમંત્રીના  હસ્તે સંપન્ન થયું હતું.

દેશના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું કે, સહકારી પ્રવૃત્તિઓથી ગ્રામ ઉત્થાનના બીજ સરદાર વલ્લભભાઈ પટેલ,ત્રિભુવનદાસ પટેલ, પૂ.ભાઈકાકા, વૈકુંઠભાઈ મહેતા સહિતના સહકારી નેતાઓએ વાવ્યા હતા, જે આજે વિશાળ વટવૃક્ષમાં પરિવર્તિત થયા છે. સહકારી પ્રવૃત્તિઓના સ્વર્ગ સમા દક્ષિણ ગુજરાતના સહકારી માળખાની સરાહના કરતા તેમણે કહ્યું કે, 275  લીટર દૂધ ક્ષમતાથી શરૂ થયેલી સુમુલ ડેરીની સફર આજે 1200  દૂધ મંડળીઓના અઢી લાખ સભાસદો સુધી પહોંચી છે, જેમના ખાતામાં દૈનિક ધોરણે રૂ.7  કરોડની ચૂકવણી થાય છે, આ વ્યવસ્થા હજારો પરિવારોના જીવનધોરણને ઉન્નત બનાવવામાં આશીર્વાદરૂપ બની છે.

સહકારી સંસ્થાઓનો દેશના વિકાસમાં નોંધપાત્ર ફાળો હોવાનું જણાવતાં તેમણે અમૂલ ડેરીનું ઉદાહરણ આપી આજે અમૂલ રૂ.53 હજાર કરોડના ટર્ન ઓવરના વિક્રમી લક્ષ્ય સુધી પહોંચી હોવાનો હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે લાખો ખેડૂતો, પશુપાલકો સહકારથી સમૃધ્ધિ તરફ જઈને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકારિત કરશે એમ જણાવતા સુમુલ ડેરીના પશુપાલકોના આર્થિક ઉન્નતિના પ્રયાસોને બિરદાવ્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x