હેપ્પી યૂથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક”નું આયોજન
ગાંધીનગર :
ગાંધીનગરમાં પણ સતત પાંચમા વર્ષે હેપ્પી યૂથ ક્લબ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે “હેપ્પી સ્પેરો વીક”નું આયોજન કરવામાં આવ્યું છે. હેપ્પી સ્પેરો વીકનો પ્રારંભ તા. ૧૯મી માર્ચથી થશે જે તા.૨૭મી માર્ચ સુધી ઉજવાશે જેમાં શહેરમાં આશરે ૫ હજાર કરતા વધુ હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંકુલમાં તથા જાહેર સ્થળો ખાતે સમગ્ર ઉનાળામાં નિયમિત જળ સિંચન થાય તેવી વ્યવસ્થા સાથે માટીના કુંડાની પક્ષી પરબોનું સ્થાપન કરાશે. શહેરની કેટલીક પ્રાથમિક શાળાના બાળકોને વિના મૂલ્યે નકામા ખોખા કે પુંઠાના બોક્સમાંથી ચકલી ઘર બનાવવાવનું શિખવાડવામાં આવશે જેનો ઉદ્દેશ બાળકોને વૃક્ષો અને ચકલી જેવા પક્ષીઓના યોગદાન અંગે સમજ આપી બાળકોમાં પર્યાવરણના જતનની ભાવના કેળવાય તે માટે પ્રયાસ કરવામાં આવશે.
“હેપ્પી સ્પેરો વીક”ના પ્રોજેકટ કો-ઓર્ડિનેટર રાજુભાઇ મકવાણાએ જણાવ્યુ છે કે “આશરે ૧૦ વર્ષ પૂર્વે તેમના ઘરે માળો બનાવવા કાર્યરત એક ચકલી અકસ્માતે પંખામાં આવી જતાં કરૂણ મોતને ભેટી હતી. આ ઘટનાએ મારા હ્રદયને હચમચાવી મૂક્યું હતું ત્યારથી મે નક્કી કર્યું હતું કે હું ચકલી સહિતના નાના પંખીઓના સલામત વસવાટ માટે મારાથી બનતા પ્રયત્નો કરીશ અને ત્યારથી હું દર વર્ષે વિશ્વ ચકલી દિવસે “ચકલી-ઘર”નું વિના મૂલ્યે વિતરણ કરું છુ. છેલ્લા પાંચ વર્ષથી હું હેપ્પી યૂથ ક્લબ સાથે જોડાઈને આ કાર્ય કરું છુ જેમાં અમે આખું “હેપ્પી સ્પેરો વીક” ઉજવીએ છીએ. “હેપ્પી સ્પેરો વિક” દરમ્યાન હેપ્પી યુથ કલબ દ્વારા શહેરમાં આશરે પાંચ હજાર “હેપ્પી ચકલી ઘર”નું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વયંસેવકોની ટીમો બનાવી શહેરના વિવિધ શૈક્ષણિક સંકુલો તથા કેટલાક જાહેર સ્થળો ખાતે આવનાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની તરસ છીપાય તે હેતુથી પક્ષી પરબનું સ્થાપન કરવામાં આવશે તેમજ તેમાં નિયમિત જળસિંચનની કાળજી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.”
હેપ્પી ચકલી ઘરનું વિતરણ ક્યાં અને ક્યારે?
વિતરણ સમય : દરરોજ સવારે ૮:૩૦ થી ૧૦ વાગ્યા સુધી
તા.૧૯મી માર્ચ, શનિવાર : શ્રી બલરામ મંદિર આગળ, સેક્ટર-૧૨
તા.૨૦મી માર્ચ, રવિવાર : પાટનગર યોજના ભવન સામે, સેક્ટર-૧૬
તા.૨૧મી માર્ચ, સોમવાર : સ્વામિનારાયણ મંદિર પાસે, સેક્ટર – ૨
તા.૨૨મી માર્ચ, મંગળવાર : સ્વામી વિવેકાનંદ શોપિંગ સેન્ટર પાસે, વાવોલ
તા.૨૩મી માર્ચ, બુધવાર : રાજવી ફૂડ કોર્નર, પ્રતિક મોલ, કુડાસણ
તા.૨૪મી માર્ચ, ગુરુવાર : જન ઔષધી કેન્દ્ર પાસે, રોડ નં.૬, સેક્ટર-૨૪
તા.૨૫મી માર્ચ, શુક્રવાર : ગાયત્રી મંદિર પાસે, સેક્ટર – ૧
તા.૨૬મી માર્ચ, શનિવાર : પ્રમુખનગર, પટેલ પાર્લર પાસે, સરગાસણ ટીપી-૯
તા.૨૭મી માર્ચ, રવિવાર : ઓમકારેશ્વર મંદિર પાસે, સેક્ટર-૪
તા.૨૮મી માર્ચ, સોમવાર : ગુપ્તા કોમ્પ્લેક્સ, સેક્ટર -૧૪
તા.૨૯મી માર્ચ, મંગળવાર : સૂર્યા સર્કલ, સરગાસણ
તા.૩૦મી માર્ચ, બુધવાર : સરદાર સર્કલ પાસે, કુડાસણ