વાયબ્રન્ટનાં નામે તાયફાઓ કરીને રોજગારી આપવાના દાવાની વિધાનસભામાં સરકારની પોલ ખુલી : પરેશ ધાનાણી
ગાંધીનગર :
ગુજરાત વિધાનસભામાં પૂર્વ વિપક્ષ નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિધાનસભામાં પ્રશ્નોતરી કાળમાં ગુજરાતમા સને ૨૦૧૯માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં કુલ કેટલી રોજગારી ઊભી થવાનો અંદાજ હતો અને તે પૈકી આ સમિટમાં રોજગારીના અંદાજ સામે કેટલી રોજગારી ઊભી થઇ એવો પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો જવાબ મુખ્યમંત્રીશ્રીએ લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો. આ જવાબમાં ઉધોગ વિભાગે જવાબ કર્યો હતો કે ગુજરાતમા સને ૨૦૧૯માં યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં અંદાજે કુલ ૨૦,૯૦,૩૩૯ રોજગારી ઊભી થવાનો અંદાજ હતો આ સમિટમાં રોજગારીના અંદાજ સામે ઉત્પાદનમાં ગયેલ પ્રોજેક્ટસમાં ૩,૫૫,૧૬૩ ની રોજગારી ઊભી થઇ છે.
શ્રી ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યની ભાજપ સરકાર દર બે વર્ષે વાઈબ્રન્ટના નામે તાયફા કરીને કરોડો રૂપિયાનું મુડીરોકાણ અને લાખો લોકોને બેરોજગારી આપવામાં આવતી હોવાના દાવા કરે છે, પરંતુ સરકારના આ દાવાની પોલ ખુદ સરકારે ગૃહમાં આપેલા જવાબમાં ખુલી જાય છે. ગુજરાતના લાખો શિક્ષિત, અર્ધશિક્ષિત અને બેરોજગાર યુવાનોને નોકરીના સપના દેખાડનારી ભાજપ સરકારની આ યુવાનો સાથે છેતરપીંડી છે. કોરોના મહામારીને કારણે અનેક કુટુંબો આર્થિક ભીંસમાં મૂકાઈ ગયા છે. અનેક લોકોની નોકરી છીનવાઈ ગઈ છે છતાં રાજ્ય સરકાર આ યુવાનો કે બેરોજગારોને રોજગાર આપવાને બદલે માત્રને માત્ર વોટબેંક તરીકે ઉપયોગ કરતી હોવાનું સરકારે આપેલા આંકડા પરથી પુરવાર થાય છે.
શ્રી ધાનાણીએ અન્ય એક પ્રશ્ન છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કસ્ટોડિયલ ડેથના કેટલા બનાવો બન્યા છે, કસ્ટોડિયલ ડેથ માટે જવાબદાર પોલીસ અધિકારી/કર્મચારી સામે શા પગલા લીધાં, અને ઉક્ત સ્થિતિએ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં વારસદારોને અપાયેલ વળતર અંગે પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો જવાબ મુખ્યમંત્રીશ્રીએ લેખિતમાં જવાબ રજૂ કર્યો હતો. આ જવાબમાં ગ્રુહ વિભાગે જવાબ કર્યો હતો કે રાજયમા છેલ્લા બે વર્ષમાં કસ્ટોડિયલ ડેથના કુલ 188 બનાવો બન્યા છે. આ બનાવો બાદ જવાબદાર પોલીસ અધિકારી/કર્મચારી સામે ફોજદારી રાહે તેમજ ખાતાકીય રાહે ફરજ મોકૂફી તથા રોકડ દંડની સજા જેવા શિક્ષાત્મક પગલાં લીધેલ છે. તેમજ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં મૃતકના વારસદારોને રૂા.૬,૦૦,૦૦૦/- નું વળતર ચૂકવવામાં આવેલ છે અને મળેલ ભલામણો પૈકી કોઈ વળતર ચૂકવવાનું બાકી રહેતું નથી.