ગાંધીનગરગુજરાત

સરકાર શિક્ષકો પાસે શૈક્ષણિક કાર્યની સાથે બિનશૈક્ષણિક કાર્યો કરાવે છે તે બંધ કરે : ગ્‍યાસુદ્દીન શેખ MLA

ગાંધીનગર :

આજે વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગની માંગણીઓ રજૂ થઈ હતી. શિક્ષણ વિભાગની માંગણીઓ પરની ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુરના ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, રૂ. ૨ લાખ ૪૩ હજાર કરોડનું બજેટ રજૂ કરીને સરકાર જો શિક્ષણ માટેની પ્રાથમિક શાળાઓમાં ઓરડા ન બનાવી શકતી હોય તો શું ગરીબ બાળકોને ન ભણવા દેવાનું કોઈ ષડયંત્ર ચાલે છે કે કેમ ? એકબાજુ હાઈફાઈ સ્‍કુલમાં એ.સી. ક્‍લાસરૂમમાં અમીરોના બાળકો ભણતા હોય છે અને બીજીબાજુ ગરીબ-મધ્‍યમવર્ગીય પરિવારના બાળકો તૂટી ગયેલા, વરસાદના પાણી ટપકતાં ઓરડામાં ભણતા હોય છે. એવું નથી કે સરકાર પાસે પૈસા નથી પરંતુ ગરીબ-મધ્‍યમવર્ગના દીકરા-દીકરી ભણે-ગણે એમાં સરકારને રસ લાગતો નથી, કારણ કે સરકારને પાંચ ઉદ્યોગપતિઓ પ્રત્‍યે જ પ્રેમ અને લગાવ છે.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, આપણા ત્‍યાં બાળકો સરકારી શાળામાં જતા નથી. બધા સરકારી નોકરી ઈચ્‍છે છે પરંતુ સરકારી સ્‍કુલમાં જવું નથી, તેનું કારણ શું છે ? રાજ્‍યની ૧૯ હજાર જેટલી શાળાઓમાં પૂરતા ઓરડા નથી. સરકારે બનાવેલી ટેટ-ટાટની પરીક્ષાઓ પાસ કરેલા હજારો ઉમેદવારો છે ત્‍યારે ૭૦૦ જેટલી શાળાઓ એક જ શિક્ષકથી કેમ ચાલે છે ? સુનિતા વિલિયમ્‍સના નામે ગર્વ લેતા હોઈએ ત્‍યારે દાહોદના એક આદિવાસીની દીકરી અવકાશયાત્રી બને એ માટે બજેટમાં કોઈ પ્રાવધાન કેમ નથી કરી શકતા ? તેવા વેધક પ્રશ્નો શ્રી શેખે સરકારને કર્યા હતા.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારનું બજેટ રૂ. ૨ લાખ ૪૩ હજાર કરોડનું ભલે હોય છતાં શાળાઓમાં ઓરડા ઓછા હોય, શિક્ષકો જરૂરિયાત મુજબના ન હોય અને ગરીબ બાળકોને મજબુરીથી ખાનગી અને સેલ્‍ફ ફાયનાન્‍સ શાળાઓમાં મજબુર થઈ જવું પડે છે. છેલ્લા દસ વર્ષમાં લગભગ ૪.૫ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓ છોડીને ખાનગી શાળાઓમાં પ્રવેશ લીધા છે. કોરોના કાળ નહોતો ત્‍યારે વાલીઓ થોડી ઘણી ફી ભરી શકવા સક્ષમ હતા, પરંતુ કોરોના મહામારી આવ્‍યા પછી આર્થિક પરિસ્‍થિતિ નબળી બનતા લોકોએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓ તરફ પાછા વળવું પડયું છે. ભાજપ સરકાર જો ખરેખર ગરીબ અને મધ્‍યમવર્ગના બાળકોને શિક્ષણ આપવા માટે ગંભીર હોય તો સરકારી શાળાઓ પર પૂરતું ધ્‍યાન આપે.

શ્રી શેખે જણાવ્‍યું હતું કે, સરકાર દ્વારા વિવિધ જાહેરાતો કરવામાં આવે છે પરંતુ સરકારી શાળાઓમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રકચરનો અભાવ જોવા મળે છે. અમદાવાદ શહેરમાં સ્‍માર્ટ બિલ્‍ડીંગ બનાવવામાં આવે છે પરંતુ ઘણી જગ્‍યાએ આ બિલ્‍ડીંગની હાલત એટલી ‘ખસતા’ હોય છે કે વિદ્યાર્થીઓને ત્‍યાં બેસવાના પણ ફાંફા પડતા હોય છે. સરકારી શાળાઓ અને મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર સારી ક્‍વોલીટીનું ઉભું કરવું જોઈએ, સ્‍પોર્ટ્‌સ માટે સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. રાજ્‍ય સરકાર ખેલ મહાકુંભ કરે છે ત્‍યારે દરેક શાળામાં પી.ટી.ના ટીચરોની નિમણુંક કરવી જોઈએ.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, સરકારી શાળાઓમાં પરિસ્‍થિતિ બગડવાનું મુખ્‍ય કારણ શિક્ષકો પાસેથી બિનશૈક્ષણિક કાર્ય લેવામાં આવે તે છે. તાજેતરમાં ૧૧ માર્ચના રોજ માન. પ્રધાનમંત્રી અમદાવાદ આવ્‍યા હતા ત્‍યારે અમદાવાદમાં તમામ શાળાઓના શિક્ષકોને ફરજિયાત કાર્યક્રમમાં હાજરી આપવાનો પરિપત્ર કરવામાં આવ્‍યો હતો. શિક્ષકો રાજકીય કાર્યક્રમોમાં જશે કે છોકરાઓને ભણાવશે ? સરકારી શાળાના શિક્ષકો પાસેથી બિનશૈક્ષણિક કાર્ય લેવામાં આવતું હોવાના કારણે શિક્ષણને બહુ મોટી અસર થઈ છે. દિલ્‍હીમાં આપ મોડેલ જે શિક્ષણ માટેનું આદર્શ મોડેલ છે, ત્‍યાં આઈએએસ અને આઈપીએસ અધિકારીઓના બાળકો પણ અભ્‍યાસ કરવા જાય છે. ત્‍યાંની સરકાર શિક્ષકોને આઈઆઈએમમાં અને કેટલીક વખત વિદેશમાં પણ પ્રશિક્ષણ માટે મોકલે છે. રાજ્‍યની સરકારે પણ સરકારી શિક્ષકોને ‘આપ’ મોડેલની રીતની તાલીમ આપવી જોઈએ.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, રાજ્‍યના બજેટની રૂ. ૨ લાખ ૪૩ હજાર કરોડની રકમ જોઈએ અને રાજ્‍યના મંત્રી એમ કહેતા હોય કે ૪.૫ લાખ કરોડનું દેવું કરી શકીએ તેવી સ્‍થિતિ છે ત્‍યારે ફક્‍ત ૧ હજાર કરોડનું બીજું દેવું કરીને સરકારી અને મ્‍યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓનું ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર વ્‍યવસ્‍થિત કરવું જોઈએ અને બાળકોને વ્‍યવસ્‍થિત શિક્ષણ મળે તે માટે પર્યાપ્‍ત સુવિધાઓ ઉભી કરવી જોઈએ. ધારાસભ્‍યશ્રીઓનો એક વર્ષનો પગાર જમા લઈને પણ સરકારી શાળાઓમાં બાળકોને ઉત્તમ શિક્ષણ મળી રહે તે માટે યોગ્‍ય આયોજન કરવું જોઈએ.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, અમદાવાદમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ૨૦૦ કરતાં વધારે શાળાઓ બંધ છે. સ્‍થાનિક આગેવાનો અને વિસ્‍તારના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં સ્‍થાનિક આગેવાનો અને મ્‍યુનિસિપલ કોર્પોરેશન સાથે ચર્ચા-વિચારણા કરી દરિયાપુર વિસ્‍તારમાં જ બે શાળાઓ કાળુપુર પબ્‍લિક સ્‍કુલ અને દરિયાપુર પબ્‍લિક સ્‍કુલ શરૂ કરાવી. કાળુપુર પબ્‍લિક સ્‍કુલ જે દિવસે શરૂ કરી તે દિવસે ૮૫૦ બાળકોએ પ્રવેશ લીધો અને આજે ત્‍યાં ૮૫૦ બાળકો અભ્‍યાસ કરી રહ્‌યા છે. દરિયાપુર પબ્‍લિક સ્‍કુલ જે નવા શૈક્ષણિક સત્રથી શરૂ થનાર છે ત્‍યારે પહેલા જ દિવસથી ત્‍યાં પણ બાળકો મળી જ રહેશે તેવો વિશ્વાસ ગ્‍યાસુદ્દીન શેખે વ્‍યક્‍ત કર્યો હતો.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, કોરોના કાળ દરમ્યાન વિદ્યાર્થીઓને ૨૫ ટકા ફી માફી સરકાર દ્વારા આપવામાં આવી હતી તેવી જ રીતે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ ૨૫ ટકા ફી માફ કરવા પૂર્વ શિક્ષણ મંત્રીશ્રીએ બાંહેધરી આપી હતી ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષમાં પણ વિદ્યાર્થીઓની ૨૫ ટકા ફી માફ કરવાની જાહેરાત કરવાની ગ્યાસુદ્દીન શેખે શિક્ષણ મંત્રી સમક્ષ માંગણી કરી હતી, પરંતુ શ્રી ગ્યાસુદ્દીન શેખની માંગણી સરકારે સ્વીકારી નહોતી.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે સરકાર સમક્ષ માંગણી કરતાં જણાવ્‍યું હતું કે, (૧) સરકારી શાળામાં શિક્ષકો બાળકો સાથે વર્ગખંડમાં શિક્ષણ કાર્ય જ કરે તે માટે શિક્ષકોને તમામ પ્રકારના બિનશૈક્ષણિક કાર્યમાંથી મુક્‍તિ આપવી જોઈએ. (૨) અંગ્રેજી માધ્‍યમની સરકારી શાળાઓમાં હાલમાં બી.એ. (અંગ્રેજી) ગુજરાતી માધ્‍યમવાળા શિક્ષકોની નિમણુક કરવામાં આવે છે, તેના બદલે ફક્‍ત પ્રથમથી જ અંગ્રેજી માધ્‍યમમાં ભણેલા શિક્ષકોની નિમણુંક કરવી જોઈએ. (૩) દિલ્‍હી સરકાર શિક્ષણની પેડાગોજી સમજવા માટે શિક્ષકોને તાલીમ આપવા સારૂ કેમ્‍બ્રિજ યુનિવર્સિટી, સિંગાપુર તથા આઈઆઈએમ જેવી સંસ્‍થાઓમાં મોકલે છે ત્‍યારે રાજ્‍ય સરકારે દિલ્‍હી સરકારમાંથી પ્રેરણા લઈ સરકારી શિક્ષકોને ઉત્તમ તાલીમ આપવી જોઈએ. (૪) રાજ્‍ય સરકાર જ્‍યારે લાખો કરોડોનું દેવું કરે છે ત્‍યારે ૧ હજાર કરોડની વધારે લોન લઈ સરકારી શાળાઓના ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર વ્‍યવસ્‍થિત કરવા જોઈએ અને ખાલી પડેલ જગ્‍યાઓ પર શિક્ષકોની સત્‍વરે ભરતી કરવી જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x