સુરેન્દ્રનગર દૂધ સંઘના કરોડોના ભ્રષ્ટાચારને દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ વિધાનસભામાં ખુલ્લો પાડ્યો
ગાંધીનગર :
દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આજે વિધાનસભામાં સહકાર વિભાગની બજેટ માંગણીઓ દરમિયાન સુરેન્દ્રનગર દૂધ સંઘના કરોડના ભ્રષ્ટાચારને ઉઘાડો પડતા અધિકારીઓમાં દોડધામ મચી હતી અને તાતકાલીક માહિતી મેળવવા અધિકારીઓને દોડાવ્યા હતા. દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૨માં સુરેન્દ્રનગર દૂધ સંઘમાં ૨ લાખ લીટરની ક્ષમતા વાળો પેકિંગ પ્લાન્ટ બનાવવા માટે સંપૂર્ણ પ્રોજેક્ટની કીમત રૂપિયા ૭.૦૦ કરોડ અને ૨૭.૪૦ કરોડ અનુક્રમે સિવિલ અને મીકેનીકલ કામ કૂલ રૂ. ૩૪.૪૦ કરોડનો અંદાજ હતો. પરંતુ ભ્રષ્ટાચાર આચરી સંઘને ૫૯.૩૬ કરોડનું નુકશાન કરેલ અને બીજા અર્થમાં કહીએ તો આશરે રૂ. ૬૦ કરોડનો ભ્રષ્ટાચાર કરેલ છે. આ અંગે દૂધ ઉત્પાદકો દ્વારા ફરિયાદ કરવામાં આવતા તારીખ ૨૦/૧૦/૨૦૧૪ થી “ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લીમીટેડ (GCMMFL)” ને સુરેન્દ્રનગર ડેરી ખાતે ૨ લાખ લીટરની ક્ષમતા ધરાવતા નવીન પ્લાન્ટના મીકેનીકલ અને સિવિલ કામોની તપાસ કરવા જણાવતા, GCMMFL દ્વારા તજજ્ઞોની ટીમ દ્વારા તપાસ કરી તારીખ ૦૧/૦૧/૨૦૧૫ થી તેમનો તપાસ એહવાલ સરકારશ્રીને પગલા લેવા મોકલી આપેલ. આ અહેવાલમાં અનેક અત્યંત ચોકાવનારી બાબતો પ્રકાશમાં આવી હતી જેને લઈને સરકાર પણ ચોકી ગઈ હતી.
વધુમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી જણાવે છે કે, ખુબ અનુભવી એજન્સીને કામ આપવાને બદલે એવી કંપનીને કામ આપવામાં આવે છે જેનું અસ્તિત્વ ટેન્ડર બહાર પડ્યું ત્યારે હતું નહિ. ટેન્ડર ભરવાની તારીખ ૪-૬-૨૦૧૨ હતી પરંતુ રાજકોટની ઇન્ડેશન ઓવરસીઝે VAT નબર તારીખ ૧૪-૬-૨૦૧૨ના રોજ મેળવે છે. મતલબ ટેન્ડર બહાર પડ્યું ત્યારે આ કંપની અસ્તિત્વ જ ધરાવતી ન હતી તેવી કંપનીને આ કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. આ કંપનીએ કોઈ પણ જાતનો આવા ડેરીના કે બીજા કોઈ કામ નો કોઈજ અનુભવ પણ હતો નહિ. ૨૭.૪૦ કરોડના કામ સામે બીજા ૪ કરોડ વધારેના ચૂકવી દેવામાં આવે છે. કોઈ પણ જાતની બેંક ગેરંટી વગર ૯૦% રકમ એડવાન્સ ચૂકવી દેવામાં આવે છે. આ ઉપરાંત સીલીવ કામ જે માત્ર ૭ કરોડનું હતું તેની રકમ ૨૬.૯૬ કરોડની કરી દેવામાં આવે છે. વધુમાં આ કામ ખુબ જ વિલંબિત રીતે કરવામાં આવે છે ત્યારે ટેન્ડરની શરતો મુજબ દંડનીય કાર્યવાહી કરવાને બદલે આ કંપનીને આર્બિટ્રેશનનાં માધ્યમથી બીજા ૧૦ થી ૧૨ કરોડ ચુકવવામાં આવે છે. આ પ્લાન્ટ બન્યા પછી આશરે ત્રણ વર્ષ સુધી એક ટીપું દૂધ, દહીં, ઘી કે લસ્સીનું ઉત્પાદન કરતી નથી. આમ અનેક ગેરરીતિઓ ધ્યાને આવતા સુરેન્દ્રનગર ડેરી ખાતે સ્થાપિત કરવામાં આવેલ પ્લાન્ટમાં થયેલ ગેરરીતી બાબતે ફેડરેશનના નિયામક મંડળ દ્વારા રજીસ્ટ્રારશ્રી, ગાંધીનગરને જવાબદારો સામે જરૂરી પગલા ભરવા તારીખ ૨૩/૦૬/૨૦૧૬થી પત્ર લખવામાં આવેલ છે. ત્યારબાદ, ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ પણ તા. ૦૬/૦૫/૨૦૧૬થી રજીસ્ટરશ્રી, સહકારી મંડળીઓ, જીવરાજ મેહતા ભવન, ગાંધીનગર અને વહીવટી સંચાલકશ્રી, સુરેન્દ્રનગર જીલ્લા દૂધ ઉત્પાદક સંઘ લી. ને પત્ર લખી જવાબદારો સામે અચૂક કાર્યવાહી કરવા જણાવે છે. પણ ભ્રષ્ટાચારની વેહતી ગંગામાં કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.
સરકારશ્રીના તા. ૦૬/૦૫/૨૦૧૬ ના પત્ર અન્વયે રજીસ્ટારશ્રી, ગુજરાત રાજ્ય દ્વારા તા. ૧૩/૦૬/૨૦૧૬નાં પત્રમાં જણાવે છે કે તા. ૧૧/૦૨/૨૦૧૬ અને ૨૨/૦૨/૨૦૧૬નાં રોજ તત્કાલીન સહકાર મંત્રીશ્રી બાબુભાઈ બોખીરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ મીટીંગનો ઉલ્લેખ સાથે જણાવે છે કે પશુપાલકોના હિતને વ્યાપક નુકશાન કરવામાં આવેલ છે આથી દિવસ ૭ માં ફોજદારી કાર્યવાહી કરી ફરિયાદ નોધાવા સુચના આપવામાં આવે છે.
ધારાસભ્ય નૌશાદ સોલંકી વિધાનસભામાં જણાવે છે કે તેઓ દ્વારા રજીસ્ટારશ્રી, ગુજરાત રાજ્યને તા. ૧૬/૧૦/૨૦૨૧થી વિગતવાર પત્ર લખી શું શું પગલાઓ ભરવામાં આવ્યા છે તેની માહિતી માગી પણ આજ દિન લાગી તેનો જવાબ પણ આપવામાં આવતો નથી. આમ સમગ્ર કૌભાંડ વર્ષ ૨૦૧૪ માં થયેલ છે અને તેનો તપાસ અહેવાલ વર્ષ ૨૦૧૫ માં આપી દેવામાં આવેલ હોવા છતાં રજીસ્ટારશ્રી, ગુજરાત રાજ્ય અને જીલ્લા રજીસ્ટારશ્રી, સુરેન્દ્રનગર તથા મેનેજીંગ ડીરેક્ટરશ્રી, સુરેન્દ્રનગર ડેરી દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ તંત્રની રહેમ નજર તળે સાત – સાત વર્ષ વીતી જવા છતાં કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી.
હાલ જાણવા મળ્યા મુજબ ૨૦૧૭માં ભાજપની નવી સરકાર આવી તેણે આ આખા કૌભાંડ ઉપર પડદો પડી દીધો છે. ગુપચુપ સી- સમરી ભરવામાં આવી છે. તેમજ કૌભાંડને કાયમી દફન કરવા ૭ વર્ષ બાદ રજીસ્ટારશ્રી, ગુજરાત રાજ્ય તા. ૧૫/૧/૨૦૨૧નાં પત્રથી સહકારી કાયદાની કલમ ૮૬ અન્વયે દૂધ સંઘના વહીવટીકર્તાઓને નોટીસ આપે છે. અને તેમના ક્ષુલ્લક જવાબોને ગ્રાહ્ય રાખી નોટીસની કાર્યવાહી પણ દફતરે કરવામાં આવે છે. આમ, ધારાસભ્ય નૌશાદ સોલંકી જણાવે છે કે આ કૌભાંડમાં ઉપરથી નીચે સુધી તમામ સામેલ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે વિધાનસભામાં નૌશાદ સોલંકી દ્વારા CBI કે CID ક્રાઈમ દ્વારા તપાસ કરાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવે છે. હવે જોવાનું એ છે કે સરકાર આ મુદ્દે અન્ય બીજા કૌભાંડોના મુદ્દે મૌન ધારણ કરે છે કે પશુપાલકો સાથે થયેલ નુકશાનને ભરપાઈ થાય તેવી કાર્યવાહી કરે છે.