ગાંધીનગરગુજરાત

અમદાવાદની SVP હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન કાર્ડ માન્‍ય રાખવા ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે કરી માંગ

ગાંધીનગર :

આજે વિધાનસભા ગૃહમાં ઉદ્યોગ અને ખાણ, શહેરી વિકાસ, કૃષિ, ખેડૂત કલ્‍યાણ અને સહકાર વિભાગની માંગણીઓ પર ચર્ચા હતી. આ ચર્ચામાં ભાગ લેતાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, અમદાવાદ એ ગુજરાતના હાર્દ સમાન છે. રાજ્‍યની ૪૮% વસ્‍તી અમદાવાદ સહિતના શહેરોમાં વસે છે. અમદાવાદ પશ્‍ચિમ વિસ્‍તારમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર જુઓ તો એવું લાગે તમે વિદેશની સફરે આવ્‍યા છો, જ્‍યારે પૂર્વ વિભાગમાં કોટ વિસ્‍તાર, દક્ષિણ ઝોન, ઉત્તર ઝોન, પૂર્વ ઝોનમાં જાવ ત્‍યારે ગ્રામ્‍ય વિસ્‍તારમાં ફરી રહયા હોવ તેવી અનુભૂતિ થાય. વિકાસ સમાંતર અને સર્વાંગી હોવો જોઈએ. સમાન ટેક્‍સના નાણા ભરતી જનતા સાથે ભેદભાવ રાખવો વાજબી નથી.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, ભાજપ સરકાર અમદાવાદ શહેરના નાગરિકો સાથે ભૌગોલિક ભેદભાવ કરી રહી છે. અમદાવાદ શહેરને પૂર્વ અને પશ્‍ચિમ એવા ભાગ પાડીને ભેદભાવ કરવામાં આવી રહ્‌યો છે. અમદાવાદ શહેરમાં એક તરફ આધુનિક ફલાય ઓવર છે, એરકન્‍ડીશન જીમ છે, આધુનિક રોડ-રસ્‍તા છે તો બીજી તરફ શુદ્ધ પીવાનું પાણી પણ નથી. કોટ વિસ્‍તારમાં વર્ષોથી પ્રદૂષિત પીવાના પાણીનો પ્રશ્ન છે. આજે પણ લાંભા, રામોલ, હાથીજણ, નવા વટવા, નવા નિકોલ સહિતના વિસ્‍તારોમાં પીવાના પાણીનું નેટવર્ક બનાવવામાં આવ્‍યું નથી. દાણીલીમડા, બહેરામપુરા જેવા વિસ્‍તારોમાં આજે પણ ટેન્‍કરો દોડાવીને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પૂર્વ વિસ્‍તારમાં ખૂબ મોટા પ્રમાણમાં સમસ્‍યાઓ હોવાના કારણે નામાંકિત સમાચારપત્રોએ પણ પૂર્વ વિસ્‍તાર માટે બે-ત્રણ પેઈજની અલગ પૂર્તિ મૂકવાની શરૂ કરી છે. આ પૂર્તિમાં રોજ લોકોના પ્રશ્નો પ્રસિદ્ધ થાય છે. પૂર્વ વિસ્‍તારમાં ૧૦ હજારથી વધારે ખાળકુવા છે, જે ઉલેચવા માટે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વાર્ષિક રૂ. ૧ કરોડથી વધુનો ખર્ચ કરવો પડે છે. એકમાત્ર દક્ષિણ ઝોનના વિસ્‍તારોમાં ખાળકૂવા ઉલેચવા માટે વાર્ષિક રૂ. ૪૬ લાખનો ખર્ચ કરવામાં આવે છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્‍તારમાં ખાળકૂવા છે જે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની ભેદભાવયુક્‍ત નીતિની દેન છે. અમદાવાદ શહેરને સ્‍માર્ટ સીટી બનાવવાની વાત કરવામાં આવે અને બીજી તરફ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્‍તારમાં ખાળકૂવા ઉલેચવા માટે ટેન્‍કરો દોડાવવામાં આવે તે દુઃખદ બાબત છે. સ્‍માર્ટ સીટીની વાત કરે છે ત્‍યારે સર્વાંગી અને સમાંતર વિકાસ ન હોય તેનાથી મોટો બીજો કોઈ ભેદ હોઈ શકે નહીં.

 શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, અમદાવાદ શહેરમાં ૨૬૫૦ કિ.મી.નું રોડ નેટવર્ક છે, પરંતુ આજેપણ પૂર્વ વિસ્‍તારમાં ૯૦ કિ.મી.ના કાચા રોડ છે, જે રોડ ખોલી દેવાયા છે પરંતુ પાકા રોડ બનાવવામાં આવ્‍યા નથી. શહેરના કોટ વિસ્‍તાર અને પૂર્વ વિસ્‍તારમાં નિયમિત સફાઈ થતી નથી. અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન પાસે રોડની સફાઈ સહિત અન્‍ય સફાઈ માટે જે મશીનરી છે તેનો મોટાભાગનો ઉપયોગ પશ્‍ચિમ વિસ્‍તારમાં કરવામાં આવે છે. પૂર્વ વિસ્‍તારોમાં પણ નિયામિત સફાઈ થાય તે માટે નવી મશીનરી ખરીદવામાં આવે તે જરૂરી છે.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, પૂર્વ વિસ્‍તારમાં કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્‍પિટલ, એલ.જી. હોસ્‍પિટલ અને વી.એસ. હોસ્‍પિટલ હતી, જેનું સીધું સંચાલન અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન કરતી હતી. પછી એસ.વી.પી. હોસ્‍પિટલ ઉભી કરવામાં આવી છે. એસ.વી.પી. હોસ્‍પિટલનું સંચાલન અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન કરતી હોવા છતાં અને માન. વડાપ્રધાનશ્રીએ એસ.વી.પી. નું ઉદ્‌ઘાટન કર્યું હોવા છતાં આ હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન કાર્ડ માન્‍ય રાખવામાં આવતું નથી અને લોકોને લાભ આપવામાં આવતો નથી, એ આપવો જોઈએ. વી.એસ. હોસ્‍પિટલ જે ગુજરાતની નામાંકિત હોસ્‍પિટલ હતી, એને બંધ કરી અને એ બંધ કરતી વખતે બાંહેધરી આપી હતી કે વી.એસ. હોસ્‍પિટલમાં તમામ લોકોને આયુષ્‍માન કાર્ડનો લાભ મળશે અને ગરીબ-મધ્‍યમવર્ગના લોકોને ત્‍યાં પૂરતી સારવાર મળશે, પરંતુ મળી રહી નથી. પૂર્વ વિસ્‍તાર માટે તો ફક્‍ત એલ.જી. હોસ્‍પિટલ અને શારદાબેન એમ બે જ હોસ્‍પિટલ છે. કોરોના કાળમાં વધારે ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ઉભું કર્યું હોત, કોર્પોરેશન અને સરકારી હોસ્‍પિટલો વધારે ઉભી કરી હોત તો આટલી મોટી ખુવારી અને જાનહાનિ ન થઈ હોત. પૂર્વ વિસ્‍તારના અર્બન હેલ્‍થ સેન્‍ટરોમાં પૂરતા પ્રમાણમાં તબીબોની કાયમી ભરતી કરવામાં આવતી નથી. પૂર્વના કેટલાક વિસ્‍તારોમાં પ્રસુતિગૃહની જરૂરિયાત હોવા છતાં બનાવવામાં આવતા નથી. શહેરના ખાડીયા વિસ્‍તારમાં આવેલા વર્ષો જૂના પ્રસુતિગૃહને બંધ કરી દેવામાં આવ્‍યા છે. લોકોને વધુ આરોગ્‍યવિષયક સુવિધાઓ મળે તે માટે વધુ સરકારી હોસ્‍પિટલો અને પ્રસૂતિગૃહ બનાવવા શ્રી ગ્‍યાસુદ્દીન શેખે માંગણી કરી હતી.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે જણાવ્‍યું હતું કે, સ્‍માર્ટ સીટીમાં સ્‍માર્ટ શાળાઓ છે પરંતુ પૂર્વ વિસ્‍તારમાં કોઈ જગ્‍યાએ સ્‍માર્ટ શાળાઓ દેખાતી નથી. અમદાવાદ શહેરના તમામ વિસ્‍તારોમાં સ્‍માર્ટ શાળાઓ બનાવવાની જવાબદારી અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. પૂર્વ વિસ્‍તારમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત અંગ્રેજી માધ્‍યમની શાળાઓ વધારવામાં આવે તે જરૂરી છે પણ તે વધારવામાં આવી રહી નથી. શહેરી વિકાસ મંત્રાલય જ્‍યારે આ કામગીરી સંભાળતું હોય ત્‍યારે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશન સાથે ચર્ચા-વિચારણા કરી આ બાબતનું નિરાકરણ લાવવું જોઈએ.

અમદાવાદના બહેરામપુરા, દાણીલીમડા અને રામોલ જેવા વિસ્‍તારોમાં પ્રોસેસ હાઉસો ચાલે છે. એ પ્રોસેસ હાઉસના નળ અને ગટરના જોડાણો અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશને નામદાર હાઈકોર્ટના આદેશ બાદ કાપી નાંખ્‍યા છે. નામદાર હાઈકોર્ટના આદેશનું પાલન કરવું અને સન્‍માન ચોક્કસ જ આપવું જોઈએ, પરંતુ જ્‍યારે હજારો લોકોની રોજીરોટીનો પ્રશ્ન હોય, લોકો બેકાર થતા હોય, ત્રણ હજાર કરતાં વધારે પ્રોસેસ હાઉસો બંધ થયા છે ત્‍યારે આ અંગે સરકારમાં વખતોવખત રજૂઆત કરી સરકાર આના માટે કોઈ નવી પોલીસી બનાવે તેવી માંગણી કરી છે. આટલી મોટી માત્રામાં જ્‍યારે લાખો લોકો બેકાર થયા હોય અને હજારો ફેકટરીઓ બંધ થઈ હોય ત્‍યારે આ ફેકટરીઓ પુનઃજીવિત થાય અને એમના માટે કોઈ યોગ્‍ય રસ્‍તો કાઢવામાં આવે કે જેને નામદાર હાઈકોર્ટ પણ સ્‍વીકારે અને લોકોને રોજીરોટી પણ મળી રહે અને આરોગ્‍યલક્ષી જે સમસ્‍યાઓ છે એનું પણ નિરાકરણ આવે એવો વચ્‍ચેનો રસ્‍તો કાઢવા માંગણી કરી હતી અને અમદાવાદ શહેરનો સમાંતર અને સર્વાંગી વિકાસ થાય તે ખાસ જોવા શ્રી ગ્‍યાસુદ્દીન શેખે માંગણી કરી હતી.

શ્રી ગ્‍યાસુદ્દીન શેખે વધુમાં જણાવ્‍યું હતું કે, ઓક્‍ટ્રોય નાબુદ થયા બાદ દર વર્ષે એની છેલ્લી આવકના ૧૫% પ્રમાણે ગ્રાન્‍ટની રકમ આપવા સરકારે જાહેરાત કરી હતી. છતાં વર્ષ ૨૦૧૭થી રાજ્‍ય સરકાર તરફથી આ રકમમાં એકપણ રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો નથી. પૂર્વ કમિશ્‍નરશ્રીએ શહેરી વિકાસ વિભાગને પત્ર લખીને અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનની લેણી નીકળતી રૂ. ૬૪૩ કરોડની રકમ આપવા લેખિત રજૂઆત કરી હોવા છતાં સરકારે આજદિન સુધી એકપણ રૂપિયો આપ્‍યો નથી. કોરોનાની સારવાર માટે કોર્પોરેશને કરેલ ખર્ચ પૈકી રૂ. ૧૭૦ કરોડની રકમ હજુ રાજ્‍ય સરકાર પાસેથી લેવાની બાકી નીકળે છે. આ ઉપરાંત ૭૦:૨૦:૧૦ યોજના હેઠળ રૂ. ૧૨૦ કરોડની રકમ લેણી નીકળી છે, એમ લગભગ રૂ. ૧૦૦૦ કરોડની રકમ રાજ્‍ય સરકારે અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને આપવાની થાય છે. જો આ રકમ અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પોરેશનને આપવામાં આવે તો અમદાવાદના પૂર્વના વિસ્‍તારોમાં વિકાસના કામો ઝડપથી હાથ ધરી શકાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x