ગાંધીનગરગુજરાત

આરક્ષિત વનવિસ્તારમાં અનઅધિકૃત બાંધકામ મામલે વિધાનસભાના ઉપાધ્યક્ષને હાઈકોર્ટે ફટકારી નોટિસ

ગાંધીનગર :
ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય જેઠા ભરવાડને ગુજરાત હાઈકોર્ટે નોટિસ ફટકારી છે. આરક્ષિત વનવિસ્તારમાં અનઅધિકૃત રીતે બાંધકામ ઉભું કરવા સંદર્ભે કરવામાં આવેલ અરજી મામલે હાઇકોર્ટે નોટિસ ઇશ્યુ કરી છે. જે મામલે આગામી જૂન મહિનામાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે ઘણીવાર આ બાંધકામ અંગે ફોરેસ્ટ વિભાગને રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ. માત્ર એટલું જ નહીં પરંતુ ઇલેક્ટ્રિસિટી વિભાગે ગેરકાયદેસર બાંધકામમાં વીજળી કનેકશન આપ્યું હતું તેમની સામે પણ નોટિસ ઇશ્યુ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના શહેરા બેઠક પર જેઠા ભરવાડ કે જેઓ પાછલી 5 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે, તેમની સામે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠે નોટિસ પાઠવી છે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જેઠા ભરવાડે પોતાની સત્તાનો દુરુપયોગ કરીને શહેરા તાલુકાના ચંદનગઢ વિસ્તારના આરક્ષિત જંગલમાં બાંધકામ ઉભું કર્યું છે. એટલું નહીં પરંતુ આરક્ષિત જંગલ હોવા છતાં, પણ ત્યાં ભાજપનું કાર્યાલય બનાવી દેવામાં આવ્યું છે. આ જંગલ વિસ્તારમાં પાંચ એકર કરતાં વધારે જગ્યામાં પેશકદમી કરવામાં આવી છે અને 350 વારનું બાંધકામ ઉભું કર્યું છે. જેની સામે શહેરાના સ્થાનિક કોંગ્રેસના આગેવાનોએ અરજી કરી છે. અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે જંગલ સંબંધિત કાયદાઓનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. કાયદા પ્રમાણે આરક્ષિત જંગલ વિસ્તારમાં કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ થઇ શકે નહીં, તેમ છતાય તેમને પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે. વર્ષ 2019માં જેઠા ભરવાડ દ્વારા કરવામાં આવેલ બાંધકામનો મામલો સામે આવ્યો હતો. જે બાદ ફોરેસ્ટ વિભાગે તેમને ત્રણ વાર નોટિસ પાઠવી હતી. ઉપરાંત ફોરેસ્ટ ઓફેન્સનો કેસ પણ રજિસ્ટર કરવામાં આવ્યો છે. ત્રણ વર્ષ વીતી ગયા, પરંતુ હજુ સુધી કોઇ કાર્યવાહી નથી કરવામાં આવી. અરજદાર દ્વારા એ પણ રજૂઆત કરાઈ છે, કે ફોરેસ્ટ વિભાગ માત્ર દેખાડા માટે કાર્યવાહી કરી હોવાની કાગળ પર માત્ર વાતો કરે છે. પરંતુ હકીકતમાં કોઈ પગલા લેવામાં નથી આવ્યા. જેઠા ભરવાડ દ્વારા એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. જેમાં 15 જેટલા સભ્યો છે, જેમાં તેમના પરિવારના સભ્યો છે. જેઠા ભરવાડ ટ્રસ્ટના ચેરમેન છે, ટ્રસ્ટ હેઠળ તેમને આ બાંધકામ ઉભું કર્યું છે. માત્ર બાંધકામ નહીં પરંતુ આ જંગલ વિસ્તારમાં એક હેલિપેડ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યાં અવારનવાર મોટા નેતાઓની અવરજવર રહેતી હોય છે. ઉપરાંત ભાજપના કેટલાએ કાર્યક્રમો અને સભા પણ આરક્ષિત જંગલ વિસ્તારમાં થઈ રહ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x