પેટ્રોલ ડીઝલના ભાવમા ભડકો: આવતીકાલથી પેટ્રોલમાં 80 પૈસા અને ડીઝલમાં 82 પૈસાનો વધારો
નવી દિલ્હી :
દેશમા તાજેતરમા પાંચ રાજ્યમાં ચૂંટણી પૂરી થતાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો કરવાનું શરૂ થઈ ગયું છે. ઓઈલ કંપનીઓએ સતત ત્રીજી વખત કિંમતોમાં વધારો કર્યો છે. મંગળવાર અને બુધવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કર્યા બાદ ફરી વખત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરાયો છે. પેટ્રોલમાં લિટરે 80 પૈસા જ્યારે ડીઝલના ભાવમા લિટરે 82 પૈસાનો વધારી કરી દેવાયો છે. ભાવ વધારો કરવામાં આવતા પેટ્રોલનો નવો ભાવ 97.47 રૂપિયા થયો છે જ્યારે ડીઝલનો નવો ભાવ 91.53 રૂપિયા થયો છે. ગુજરાતના પેટ્રોલ-ડીઝલ એસોસિએશન તરફથી નવો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.આવતીકાલ શુક્રવારથી નવો ભાવ લાગુ થશે. મંગળવારે પણ પેટ્રોલ-ડીઝલ 80 પૈસા પ્રતિ લિટરે મોંઘું થયું હતું. ગઈકાલે રાંધણગેસમાં પણ રૂપિયા 50નો વધારો કરાયો હતો. રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો વધી રહી છે, જેને કારણે કંપનીઓ પર એની કિંમત વધારવાનું દબાણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલ 20 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થઈ શકે છે.
જ્યાં એક તરફ કોરોના મહામારીને કારણે સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે તો બીજી બાજુ કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને ઘણી કમાણી કરી છે. છેલ્લાં 3 વર્ષમાં જ્યાં એક તરફ પ્રતિ વ્યક્તિની વાર્ષિક આવક 1.26 લાખથી ઘટીને 99,155 રૂપિયા થઈ છે તો સરકારની એક્સાઈઝ ડ્યૂટીથી કમાણી 2,10,282 કરોડ રૂપિયાથી વધીને 3,71,908 કરોડ રૂપિયાએ પહોંચી છે. છેલ્લાં 3 વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ(એક્સાઈઝ ડ્યૂટી) લગાવીને સરકારે 8 લાખ કરોડથી વધુની કમાણી કરી છે.
કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટીની મદદથી ટેક્સ વસૂલે છે. મે 2014માં જ્યારે મોદી સરકાર સત્તા પર આવી ત્યારે કેન્દ્ર સરકાર એક લીટર પેટ્રોલ પર 10.38 રૂપિયા અન ડીઝલ પર 4.52 રૂપિયા ટેક્સ વસૂલતી હતી. આ ટેક્સ એક્સાઈઝ ડ્યૂટી તરીકે લેવામાં આવે છે.