ગાંધીનગર : મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના PA સંજય ઠક્કરનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
ગાંધીનગર :
વિધાનસભા બજેટ સત્ર ચાલી રહ્યું છે એવામાં એક પછી એક આંદોલન શરૂ થવા માંડતા ગાંધીનગર જાણે કે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હોય તેમ લાગે છે. હાલમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસની આગેવાનીમાં આદીવાસી સંમેલન ચાલી રહ્યું છે. તો ખેડૂતોએ પણ અપૂરતી વીજળીની સમસ્યાથી કંટાળીને ટ્રેકટર રેલી કાઢી હતી. જેમને અધવચ્ચે જ અટકાવી દેવામાં આવ્યા છે.
બીજી તરફ આજે સચિવાલય સંકુલમાં 52 વર્ષના વૃદ્ધે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ પણ કર્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ સેકટર-7 ડી પ્લોટ નંબર 1251/1 માં રહેતા સંજયભાઈ ઠક્કરે સચિવાલય સંકુલમાં પોલીસ કન્ટ્રોલ પોઈન્ટ પાસે ઝેરી દવા ગટગટાવી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
અહીં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દોડી આવ્યા હતા. ત્યારે અહીં ફરજ બજાવતા dy.sp ભરત બારોટ દ્વારા સંજય ઠક્કરને તાત્કાલિક સારવાર અર્થે સરકારી ગાડીમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સંજયભાઈની સારવાર શરૂ કરીને વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. બનાવના પગલે સંજયભાઈના પરિવારના સભ્યો પણ સિવિલ દોડી ગયા છે. જ્યારે સેકટર -7 પોલીસ પણ સિવિલ પહોંચીને સંજય ઠક્કરની પૂછતાંછની તજવીજ શરૂ કરી છે. આ અંગે સેકટર-7 પોલીસ મથકના વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, સંજય ઠક્કર અગાઉ બાબુભાઈ બોખરીયાનાં PA હતા. હાલમાં ગજેન્દ્રસિંહ પરમારના પીએ છે. વિધાનસભા ચાલુ હોવાથી આજે સંજય ઠક્કર પણ સચિવાલય આવ્યા હતા. જ્યાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. પ્રાથમિક રીતે દેવું વધી જવાથી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તારણ છે. હાલમાં મામલતદાર સમક્ષ ડીડી લેવાની કામગીરી ચાલી રહી છે. જેમના નિવેદન પછી જ ચોક્કસ કારણ જાણવા મળશે.