ગાંધીનગર

ગાંધીનગર : બોગસ ડિગ્રી કૌભાંડનાં આરોપીઓની પૂછપરછમાં અનેક મોટા ખુલાસા થયા

ગાંધીનગર :

રાજ્યવ્યાપી બોગસ ડિગ્રી કૌભાંડનો (Bogus degree scam) ગાંધીનગર પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડે (Surveillance Squad) પર્દાફાશ કર્યો છે. પાટનગર ગાંધીનગર (Gandhinagar) માંથી બોગસ ડિગ્રી બનાવી વેંચતા 1 મહિલા સહિત 2 આરોપી પકડાયા છે. પોલીસ પકડમાં આવેલા વંદના શ્યામલકેતુ બરૂઆ અને વિપુલ પટેલ લાખો રૂપિયા ખંખરીને વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી પધરાવતા હતા. બરૂઆ ટ્યૂટોરિયલ નામની ઓફિસ ખોલી આરોપીઓ બોગસ ડિગ્રીનો વેપલો ચલાવી રહ્યા હતા. પોલીસે બરૂઆ ટ્યુટોરીયલ પર રેડ કરતા વિવિધ યુનિવર્સિટીના બોગસ ડિગ્રી સર્ટીફિકેટ મળી આવ્યા હતા. પોલીસે સંચાલક મહિલા વંદના બરૂઆની ધરપકડ કરી છે.

બોગસ ડિગ્રી કૌભાંડમાં આરોપી મહિલા વંદના બરૂઆની ધરપકડ બાદ તેની પૂછપરછ શરુ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે ટ્યુશન કલાસીસ ચલાવતો વિપુલ પટેલ તેની પાસે ગ્રાહકો શોધીને લાવતો હતો અને ગ્રાહકો પાસેથી 50 હજારથી 1 લાખ રૂપિયા સુધીની રકમ વસૂલી બોગસ સર્ટિફિકેટ આપવામાં આવતા હતા. આરોપી વંદનાની પ્રાથમિક તપાસમાં આ કૌભાંડના તાર છેક ઓડીશા સુધી લંબાયા છે. ઓડીશાના તન્મય દેબરોય નામના વ્યક્તિ પાસેથી આ તમામ ડિગ્રીઓ બનાવડાવી હતી. બેંગ્લોરની દેવી એજ્યુકેશનના ડાયરેક્ટર મૂળ ઓડિશાના તન્મય દેબરોય સાથે આરોપી વંદનાનો સંપર્ક થયો હતો. બાદ વંદનાએ તન્મય પાસેથી બોર્ડથી સ્નાતક સુધીની બોગસ ડિગ્રી બનાવડાવી વેચવાનું શરૂ કર્યું હતું. જેના પગલે તન્મય દેબરોયને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ વર્ષ 2014 થી બોગસ સર્ટિફિકેટ બનાવતા હોવાનું સામે આવ્યું છે. નકલી ડિગ્રી લેનારમાં ઘણા એવા પણ છે. જે બોગસ ડિગ્રી લઈને વિદેશ પણ પહોંચી ગયા છે. આ કૌભાંડમાં કોઈપણ યુનિવર્સિટીના કર્મચારી કે અધિકારી સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x