ડેરી પાર્લર ચલાવતા યુવાને આર્થિક ભીંસનાં કારણે દુકાનમાં જ ગળેફાંસો ખાધો
ગાંધીનગર :
શહેરમાં ડેરી પાર્લર ચલાવતાં યુવાને બેંક સહિતનું દેવું વધી જવાથી આર્થિક સંકળામણનાં કારણે દુકાનમાં જ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે દહેગામ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દસ પંદર ટકા વ્યાજે ફેરવવાની પ્રવૃતિ ઘણી ફૂલી ફાલી છે.
દહેગામના હરખજી મુવાડા કૃષ્ણનગર ખાતે રહેતો 25 વર્ષીય આકાશસિંહ સિદ્ધરાજસિંહ રાઠોડનાં પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. જે દહેગામ નહેરુ ચોકડી નજીક ભાડાની દુકાનમાં ઉર્વશી ડેરી પાર્લર ચલાવી ગુજરાન ચલાવતો હતો. આજે નિત્યક્રમ મુજબ આકાશસિંહ દુકાને આવ્યો હતો. અને દુકાનનું શટર અંદરથી બંધ કરીને પંખે લટકીને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતાં દહેગામ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતકની લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ સહીતની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આપઘાત કરતા પહેલા યુવાને ડાયરીમાં હિસાબ સહિતની વિગત પણ લખી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે બેંકમાંથી દાગીના છોડાવવા તેમજ દેવું વધી જવાથી આર્થિક સંકળામણનાં કારણે પગલું ભરી રહ્યો છે. હાલમાં તો દહેગામ પોલીસે ગુનો નોંધી મૃતકને યુવાને પાસે કોણ કોણ પઠાણી ઉઘરાણી કરતું હતું તે બાબતની ઝિણવટ તપાસ કરવાં તેનો મોબાઈલ ફોન પણ કબ્જે લેવામાં આવ્યો છે. જેમાં પોલીસને એક રેકોર્ડિંગ પણ મળી આવ્યું છે. જેનાં આધારે હાલ પોલીસ દ્વારા તપાસનો આગળનો દોર શરૂ કરવામાં આવ્યો છે.