કોર્પોરેશન હસ્તકનાં સેક્ટર-28ના ગાર્ડનમાં એન્ટ્રી ફી વસૂલાતા સ્થાનિકોમાં રોષ ભભૂકયો
ગાંધીનગર :
શહેરના સેક્ટર-૨૮ના બગીચાનું સંચાલન કોર્પોરેશન હસ્તક થયા બાદ હવે તેનું કામ ખાનગી એજન્સીને સોંપી દેવામાં આવતા બગીચામાં ૧ એપ્રિલથી પ્રવેશ ફી વસૂલવામાં આવી રહી છે. જેના કારણે સ્થાનિકોમાં રોષ ભભૂકયો છે. એટલું જ નહીં ઘરેથી લાવેલો નાસ્તો પણ બગીચામાં લઈ જવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. તો રાઈડસના ભાવમાં પણ તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
શહેરની રચના વખતે સેક્ટર ૨૮ બાલોદ્યાન અને સરિતાઉદ્યાન એમ બે મોટા બગીચા બનાવવામાં આવ્યા હતાં. કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ સરકાર દ્વારા તબક્કાવાર બગીચાઓનું સંચાલન કોર્પોરેશનને આપી દેવામાં આવ્યું હતું. હવે આ બગીચાનું સંચાલન ખાનગી એજન્સીને બે વર્ષ અગાઉ સોંપી દેવામાં આવ્યું હતું. જોકે કોરોનાના કારણે એજન્સી દ્વારા સંચાલન શરૃ કરાયું ન હતું. પરંતુ ગત ૧લી એપ્રિલથી ખાનગી એજન્સીએ બગીચાનો કબજો સંભાળી લીધો છે અને અહીં પ્રવેશ ફી પાંચ રૂપિયા વસૂલવાનું શરૂ કરી દેવાયું છે. જેના કારણે અત્યાર સુધી બગીચામાં લટાર મારવા જતાં નાગરિકોને રૂપિયા ભરીને બગીચામાં પ્રવેશ મળી રહ્યો છે. જેના કારણે લોકોમાં રોષ ભભૂકયો છે. એટલું જ નહીં બગીચામાં વિવિધ રાઈડ્સની ફી પણ અત્યાર સુધી પાંચ થી લઇ દસ રૂપિયા હતી જેને પણ વધારીને હવે ૨૦ થી ૪૦ રૂપિયા કરી દેવામાં આવી છે. બગીચામાં આવતા પરિવારને ઘરેથી કોઈપણ પ્રકારના નાસ્તા લાવવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફરજિયાત પણે ફુડ કોર્ટમાંથી જ ખરીદી કરવા આગ્રહ કરી રહ્યો છે. ગાંધીનગરમાં આ પ્રકારે કોર્પોરેશન તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉઘાડી લૂંટથી સ્થાનિકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જેનાં કારણે આગામી દિવસમાં આ મુદ્દે કોઈ નવા આંદોલનના મંડાણ થાય તો નવાઈ નહીં. જોકે એજન્સી દ્વારા કોર્પોરેશનને વર્ષે ૬૫ લાખ રૃપિયા ચૂકવવામાં આવનાર છે. નાગરિકો પાસેથી મિલ્કત અને સફાઇ સહિતની વેરાની રકમ વસૂલતા કોર્પોરેશન દ્વારા હવે આડકતરી રીતે બગીચામાં પ્રવેશ ફીના રૂપિયા પણ વસૂલવામાં આવશે.