ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીમાં આયુર્વેદિક ચિકિત્સાલયનો થયો પ્રારંભ
ગાંધીનગરઃ
ગર્ભસંસ્કારના માધ્યમથી ઉત્તમ સંતાનના જન્મ માટે કાર્ય કરતી ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે અશ્વિની આયુર્વેદ ચિકિત્સાલયનું ઉદ્ઘાટન માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહ તેમજ કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિના હસ્તે કરાયું છે. જેમાં ઉત્તમ સંતાનના જન્મ માટે દંપતીઓને વૈજ્ઞાનિક માર્ગદર્શન અને જરૂરી ઔષધ રાહતદરે અપાશે, તેમજ મહિલાઓને સગર્ભાવસ્થા દરમિયાન અને તે પછી જરૂરી આયુર્વેદિક ચિકિત્સા અને માર્ગદર્શન આપવામાં આવશે. યુનિવર્સિટીની સ્કૂલ ઑફ ચાઇલ્ડ, યૂથ એન્ડ ફેમિલી ડેવલપમેન્ટના ડાઈરેક્ટર ડૉ. રાકેશ પટેલના માર્ગદર્શનમાં ચાલતા પ્રિ-નેટલ કેર એન્ડ એજ્યુકેશન વિભાગ દ્વારા આ ચિકિત્સાલયનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જેમાં આયુર્વેદાચાર્ય ડૉ. વૃંદન જયસ્વાલ સેવા આપી રહ્યા છે. કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧થી ૧ અને સાંજે ૪થી ૬ આ ચિકિત્સાલય ખુલ્લું રહેશે. આ અવસરે માનનીય કુલપતિ શ્રી હર્ષદભાઈ શાહે કહ્યું કે, તેજસ્વી સંતાનના જન્મ માટે આયુર્વેદિક દૃષ્ટિકોણથી કઈ-કઈ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ તેનું માર્ગદર્શન આ ચિકિત્સાલયમાંથી મળી રહેશે. ઉપરાંત બાળકના જન્મ પહેલાંથી જન્મ સુધી અને તે પછી તેના સ્વાસ્થ્ય માટેનું વૈજ્ઞાનિક માર્ગદર્શન અને ઔષધ અહીંથી પ્રાપ્ત થશે. જ્યારે કુલસચિવ ડૉ. અશોક પ્રજાપતિએ કહ્યું કે, આ અનોખા ચિકિત્સાલયનો પ્રારંભ કરતા આનંદ અનુભવીએ છીએ. ગર્ભવતી બહેનોની ગર્ભાવસ્થાની મુંઝવણો અને તકલીફો દૂર કરવામાં આ ચિકિત્સાલય આશીર્વાદરૂપ બનશે. જ્યારે ડૉ. વૃંદન જયસ્વાલે જણાવ્યું હતું કે, માત્ર સગર્ભા બહેનો જ નહીં, પણ જે દંપતીઓ દિવ્ય સંતાનના જન્મ માટે આયોજન કરી રહ્યાં છે, તેમને પણ અહીં આયુર્વેદની શાસ્ત્રોક્ત પદ્ધતિ મુજબ પરિણામલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે.