ગાંધીનગર : આલમપુરમાં બિલ્ડરો દ્વારા બેફામ કમાણી કરવા ગેરકાયદે આડેધડ બાંધકામ કર્યું
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લામાં બિલ્ડરો દ્વારા તંત્રની મંજૂરી લીધા વિના ગેરકાયદેસર બાંધકામ કરી અને બેફામ કમાણી કરવાના કિસ્સાઓ અવારનવાર ધ્યાને આવતા હોય છે. ત્યારે ગાંધીનગરનાં મોટા ચિલોડા રોડ ઉપર આવેલા આલમપુરમાં આવેલ શાકમાર્કેટ પાસે બિલ્ડરોએ આડેધડ બાંધકામ કરી ખોટી રીતે દબાણ ઉભુ કરી દીધું હતું. એટલું જ નહિ કમાણી કરવા દુકાનો બનાવી મીની શોપિંગ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું હતું. જેમાં બાંધકામ અંગે કોઈ જ પૂર્વ મંજૂરી લેવાઈ ન હતી. ત્યારે આ બાબતે આખરે ગુડા તંત્રએ ગેરકાયદેસર રીતે કરાયેલ બાંધકામ દૂર કરવા આદેશ કર્યો હતો. અન ૪ એપ્રિલના રોજ આ બાંધકામોને દૂર કરવાની કામગીરી શરૂ કરવાની હતી. ત્યારે ગુડા દ્વારા આ કાર્યવાહી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. આ અંગે ગુડા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં પોલીસ બંદોબસ્ત અને અન્ય પણ જરૂરી વ્યવસ્થા ગોઠવવા માટે આ બાંધકામ દૂર કરવાની કામગીરી હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. તમામ વ્યવસ્થાનું આયોજન થતા જ આ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે.