ગાંધીનગર : આંદોલનકારી યુવરાજસિંહ સામે IPC કલમ ૩૦૭, ૩૩૨ હેઠળ ગુનો નોંધી અટકાયત કરાઈ
ગાંધીનગર :
ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિ થયાના આક્ષેપ કરનાર યુવરાજસિંહની મુશ્કેલીઓ વધી શકે છે. આજે ગાંધીનગર પોલીસ હેડકવાર્ટરમાં આંદોલનકારીઓને મળીને યુવરાજસિંહ પોતાની કારમાં બેસીને પરત જવા નીકળ્યા ત્યારે પોલીસે તેમને અટકાવવા પ્રયાસ કર્યો હતો. યુવરાજસિંહે કારની રેસ આપીને આગળ વધવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને ઘેરી લીધા હતા અને પોલીસે તેમને ખેંચીને કારની બહાર કાઢ્યા હતા. પોલીસ અને યુવરાજસિંહ વચ્ચેની આ ખેંચતાણ દરમિયાન એક પોલીસ કર્મીને ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન વાતાવરણ ઉગ્ર બન્યું હતું. યુવરાજસિંહને કારની બહાર ખેંચીને કાઢ્યા બાદ ગાંધીનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આંદોલનકારીઓને ઉશ્કેરવા, સરકારી કામમાં અડચણ ઊભી કરવા અને ફરજ પરના પોલીસ કર્મચારીઓ પર કાર ચડાવી જીવલેણ હુમલો કરવાના મામલે યુવરાજસિંહની અટકાયત કરવામાં આવી છે. અને પોલીસે યુવરાજસિંહ સામે IPC કલમ 332 અને 307 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.