ગાંધીનગર : DDO નાં મનસ્વી વલણથી ગામડાઓનો વિકાસ રૂંધાયો, ભાજપના જ સભ્યોએ કરી CMને ફરિયાદ
ગાંધીનગર :
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીના આપખુદશાહી વલણને લઈ ભાજપના જ સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને તાકીદે તેમની બદલી કરવામાં આવે તે માટે મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. ડીડીઓ દ્વારા મનસ્વી વલણ રાખવા ઉપરાંત સભ્યો મળવા જાય તો મળતા પણ નહોતા અને બેસાડી રાખતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બાદમાં કંટાળેલા સભ્યોએ મુખ્યમંત્રી, પ્રભારી અને પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને વિકાસ કમિશનરને રજૂઆત કરી હતી. હૂંડમિજાજ ધરાવતા મહિલા અધિકારી દ્વારા વારંવાર સભ્યોને અપમાનિત કરવામાં આવી રહ્યા છે જેને લઈ સભ્યોમાં રોષ ફેલાયો છે. અગાઉ સભ્યોને બે દિવસ સુધી તેમની ઓફિસ બહાર બેસાડી રાખ્યા હતા અને સભ્યોને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ મામલો છેક મુખ્યમંત્રીના દરબારમાં પહોંચતા ગંભીર નોંધ લેવામાં આવી હતી. ઘીના ઠામમાં ઘી પડે તે માટે સંગઠન દ્વારા સભ્યોને મનાવવાના પ્રયાસ શરૂ કરાયા હતા અને આજે બેઠક બોલાવી હતી. જો કે, બે કલાકથી વધારે સમય બેઠક ચાલી હતી પણ કોઇ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી અને કૂલડીમાં ગોળ ભાગવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.
ગાંધીનગર જિલ્લા પંચાયતના ભાજપના સભ્યોને ડીડીઓ વારંવાર અપમાનિત કરવા ઉપરાંત પક્ષપાત રાખતા હોવાની ફરિયાદો ઊઠી હતી. છેલ્લા એક વર્ષથી જિલ્લા પંચાયતના સદસ્યોની વિવિધ ગ્રાન્ટમાંથી સૂચવેલ વિકાસના કામોની ફાઇલમાં પણ સમયસર સહી ન કરતા હોવાની ફરિયાદો સામે આવી હતી. જેના કારણે જિલ્લાના અનેક ગામડાઓનો વિકાસ રૂંધાયો છે અને ગુજરાતી અધિકારીઓ પ્રત્યે પ્રાંતવાદનું ઝેર રેડી ઓરમાયુ વર્તન કરી ઉતારી પાડતા હતા. તેમના રહેઠાણના અંગત તમામ ખર્ચાઓ અધિકારીઓ પાસેથી વસૂલ કરવાની અને સરકારી કર્મચારીઓને ઓર્ડરલી તરીકે દુરૂપયોગ કરી વહીવટમાં સત્તાનો દુરૂપયોગ કરતા હોવાની રજૂઆત પણ કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમનું આપખુદ શાહીવાળું વર્તન રહેશે તો જિલ્લા પંચાયતના સારા અધિકારીઓ નાસીપાસ થઇને બદલી કરી અન્યત્ર જતા રહેશે. આવી અનેક ગંભીર ફરિયાદોને લઈ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો અને દિન-૭માં ડીડીઓની બદલી કરવાની માંગણી કરવામાં આવી હતી. મામલો ગંભીર બનતાં સંગઠન મેદાનમાં આવ્યું હતું અને આખરે જિલ્લા પંચાયતના સભ્યો સાથે બેઠક ગોઠવી હતી. જિલ્લા પંચાયતના સદસ્યો અને સંગઠન વચ્ચે લગભગ બે કલાકથી વધારે સમય બેઠક ચાલી હતી પણ ડીડીઓના ગજગ્રાહ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી અને બેઠકમાં કૂલડીમાં ગોળ ભાગવામાં આવ્યો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખથી લઇ ઉપ પ્રમુખ સહિતના નેતાઓ ડીડીઓને બદલવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે પણ સંગઠને સમજાવાની હાલ મામલો થાળે પાડ્યો હોય તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે.