આંદોલનકારી યુવરાજસિંહને જેલમુકત કરવા પૂર્વ વિપક્ષ નેતા પરેશ ઘાનાણીએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગાંધીનગર :
આંદોલનકારી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ થતા સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. યુવરાજસિંહના સમર્થનમાં અનેક જગ્યાએ લોકો રસ્તા પર પણ ઉતરી આવ્યા છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્યશ્રી પરેશભાઇ ઘાનાણી પણ મેદાને આવ્યા છે. ઘાનાણીએ રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને યુવરાજસિંહ સામે દાખલ કરેલ અરજી રદ કરી જેલમાંથી મુકત કરવા ભલામણ કરી છે.
પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે કે,ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ અન્ય વિભાગો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લઇ અને સરકારી વિભાગોમાં અલગ અલગ કેડરની ભરતી પ્રક્રિયાઓ કરવામાં આવે છે. જેમાં ખાસકરીને ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલ સ્પર્ધાત્મક પરીક્ષાઓની ગેરરિતીઓનું સમગ્ર કૌભાંડ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા બહાર પાડવામાં આવેલ અને સરકારે તેને સમર્થન આપેલ અને તેના કારણે ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેનની હકાલપટ્ટી કરવામાં આવેલ અને અન્ય જરૂરી પગલાઓ પણ ભરવામાં આવેલ છે.
રાજયમાં તમામ મોરચે નિષ્ફળ નિવડેલી ભાજપ સરકાર સામે તમામ ક્ષેત્રે આંદોલનો થઇ રહયા છે. ભાજપ સરકારની ભ્રષ્ટ નિતી અને આશ્રિતોને છાવરવાની નિતીની કારણે ગુજરાતનો યુવાન લાચાર બન્યો છે. તાજેતરમાં શિક્ષણ વિભાગને લગતા પડતર પ્રશ્નો બાબતે ગુજરાતના યુવા સંગઠન અને વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહેલ હતું તેને યુવરાજસિંહ જાડેજા દ્વારા સમર્થન આપેલ જેના કારણે સરકાર દ્વારા યુવરાજસિંહ જાડેજાની ખોટી રીતે ધરપકડ કરી તેને જેલ હવાલે કરેલ છે જે કૃત્ય ગેરકાયદેસરનુ છે કારણ કે, આવા યુવા નેતા દ્વારા સરકારની એજન્સીઓ અને આયોગ દ્વારા થતી ગેરરિતીઓ ઉજાગર કરવાનું કામ કરેલ છે અને સરકાર પક્ષે કામગીરી કરેલ છે, જેથી આવા વિદ્યાર્થી નેતાઓને સરકારે પ્રોત્સાહીત કરવા જોઇએ તેના બદલે તેની ધરપકડ કરીને ભરતી કૌભાંડો તથા અન્ય ગેરરિતીઓ ઢાંકવાનું સરકાર કામ કરી રહેલ છે તે વ્યાજબી નથી.
મુખ્યમંત્રીશ્રીની કક્ષાએથી અંગત રસ લઇ ધરપકડ કરવામાં આવેલ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની ઉપર ગત તા.૫-૪-૨૦૨૨ના રોજ સેકટર-૨૧ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ એફ.આઇ.આર. રદ કરી તેઓને જેલમુકત કરવા ભલામણ કરી છે.